Tuesday, April 8, 2008

ખરા યોધ્ધા અગર હો તો સમયની છાલને છોલો
પછી લઈ આયનો હાથે તમારી જાતને તોલો

તમારા સમ જગા દિલમાં બનાવી શાનથી જીવું
પ્રથમ એ શર્ત છે કે આપ દિલના દ્વાર તો ખોલો

ખુદા બક્ષે જરા હિમ્મત અમારા દુશ્મનોને પણ
નમાલા સાથ યુધ્ધોની મજા ક્યાં હોય છે બોલો?

જરા ફૂંકો અને વાગી ઉઠે તો ના નહીં મિત્રો
અરે આ વાંસ માફક માનવી પણ સાવ છે પોલો

અહીંથી પંથ બંનેના અલગ થઈ જાય છે માન્યું
અમારું મન રહી જાશે हमारे साथ तुम रो लो

મને શ્રધ્ધા છે અજવાળું બધે પથરાઈ જાવાનું
જરૂરત છે તમે પેલી અમાસી ગાંઠને ખોલો


- જિગર જોષી "પ્રેમ"

2 comments:

વિવેક said...

ઓન-લાઈન ગુજરાતી સાહિત્યજગતમાં હાર્દિક સ્વાગત છે, મિત્ર !

મહુવામાં અસ્મિતા પર્વ ખાતે મળીને ખૂબ આનંદ થયો... આ બ્લૉગ સરસ થયો છે. આ ગઝલ પણ મજાની છે. હિંદીમાં વાક્ય પ્રયોગ ઉમેરવાનો પ્રયોગ પણ સહજતાથી નભી જાય છે...

Milind Gadhavi said...

અહીંથી પંથ બંનેના અલગ થઈ જાય છે માન્યું
અમારું મન રહી જાશે हमारे साथ तुम रो लो

kya baat hai