Thursday, December 10, 2009

નહિ !!! જિગર જોષી 'પ્રેમ'

વિતેલી ક્ષણોને ફરી બાંધવી છે લઈ આવ રસ્સી અને કોઇ એવી જગા પણ લઈ આવ જ્યાંથી ક્ષણોને ફરી ભાગવાનો જ મોકો મળે નહિ
અને કાં પછી એમ કર કે ક્ષણોનું ગળું દાબી ગુંગળાવી મારી પીટો ઢોલ જેથી નગરવાસીઓ એની કિકિયારીઓ સાંભળે નહિ...

અરે ! એમનું સહેજ કીધું કર્યું ત્યાં મને કેવા કેવા એ સોંપે છે કામો કે - ખુશ્બૂને કાગળ ઉપર દ્યો ઉતારી અને ફુલને સહેજ લાવો મઠારી,
પછી એમને ટેવ પડશે તો કે'શે લ્યો ! સૂરજને ઠારો અને ચાંદને સહેજ નીચે ઉતારો, સિતારને જઇને કહો રોજ એ ઝળહળે નહિ !

કવિનું જો માનો ઉદાસી તમારે ઘરે હોય તો બારણાંઓ કરી બંધ ઘોંટાઇ જાવામાં લિજ્જત રહી છે લખી લેજો દિલની દિવાલોના ખૂણે,
હ્રદય જેવું હો તો વિચારીને કહેજો ફકત આપણાં વેંત જેવા આ દર્દોને કારણ કહો કેમ પંખીને કહેવું કે ટહુકાનો વરસાદ લઇ નીકળે નહિ !

મને એક જણ આમ કહેતા મળ્યો કે - તમે આમ કરજો તમે તેમ કરજો અને ક્યાય સલવાઇ જાઓ મને ફોન કરજો ; પછી સામે મેં પણ કહ્યું કે,
સલાહો જ દેવાનો હો શોખ તો ભઇ હરણને જ સમજાવો જઇને કે એ ટળવળે નહિ, ખરા છો તમે ! ઝાંઝવાઓને નિકળ્યા છો કહેવા કે મૃગને છળે નહિ !!!
-જિગર જોષી 'પ્રેમ'

ગઝલ - જિવન આખું વહી જાશે.. જિગર જોષી 'પ્રેમ'


કરૂં છું વાત શ્વાસોની ને શ્વાસો સૌ ઉછીના છે, ઉછીનું આ બધું ભરપાઇ કરવામાં જિવન આખું વહી જાશે.
ગગન વચ્ચે હું માણસ એકલો, સામે દુ;ખો તારાઓ જેવા છે, અને તારઓ ગણવામાં જિવન આખું વહી જાશે.

તમે જે જોયું, જાણ્યું, વાંચ્યું, માણ્યું, પામ્યું કે અનુભવ કર્યો છે એ તો કુદરતના ફકત એક અંશ જેવું છે,
'આ સૃષ્ટિ ગર્ભ છે ને ગર્ભમાં પણ સેંકડો સૃષ્ટિ હજી અકબંધ છે' એવું સમજવામાં જિવન આખું વહી જાશે.

સ્મરણ ફુગ્ગો નથી કે ફટ્ટ દઇ ફૂટે, સ્મરણ તો આઇનો પણ નૈં કે તૂટે ને સ્મરણ અફવા'ય ક્યાં છે કે ઉડે એમ જ !
અમે તો પાને-પાને એ લખી રાખ્યું 'સ્મરણ એવું વમળ છે કે વમળમાંથી નિકળવામાં જિવન આખું વહી જાશે.'

અઢી અક્ષરનું ચોમાસુ બધાના ભાગ્યમાં હોતુ નથી એ વાત નક્કી છે અને એમાં જે ભીંજાયા સુભાનાલ્લાહ...
પછી જે મ્હેક ફૂટે છે, પછી જે શબ્દ સ્ફૂરે...એ બધું જે થાય છે એને જ લખવામાં જિવન આખું વહી જાશે.

તમે કે'શો તો ઘર છોડીને હું ચાલ્યો જઇશ એવી જગાએ જ્યાં ન કોઇ સાદ કે સંવાદ કે વરસાદ પહોંચે 'પ્રેમ' !
પરંતુ એ'ય નક્કી કે પછી લાખ્ખો વખત બોલાવશો તો પણ... પણેથી પાછું ફરવામાં જિવન આખું વહી જાશે.
- જિગર જોષી 'પ્રેમ'

ગઝલ ; હવે આરામ કરવો છે ! જિગર જોષી 'પ્રેમ'

અરીસો સામે લાવીને હવે આરામ કરવો છે,
બધાં મ્હોરા ઉતારીને હવે આરામ કરવો છે.

સ્મરણની ભેખડો નીચે સતત ચગદાયું છે જીવન,
બધી ભેખડ હટાવીને હવે આરામ કરવો છે

ખભે વેતાળ માફક બેઠી છે ટાંપીને સદિઓથી,
જુઓ નફ્ફટ ઉદાસીને ! હવે આરામ કરવો છે !

'કશો તો મર્મ છે એમાં અમસ્તું કંઇ નથી થાતું
'ચલો એ ખ્યાલ ત્યાગીને હવે આરામ કરવો છે.

વમળ આ વ્યસ્તતાઓના હવે વિખરાય તો સારૂં,
આ શ્વાસોના પ્રવાસીને હવે આરામ કરવો છે.

સમયના જિર્ણ ટેબલ પર પડ્યા છે એક-બે પત્રો,
'જિગર'! એ પત્રો બાળીને હવે આરામ કરવો છે.
- જિગર જોષી 'પ્રેમ'

ગઝલ / - એની રામાયણ છે. જિગર જોષી 'પ્રેમ'

સમય નામના બંધ કવરમાં પોસ્ટ થયેલા કાગળ જેવું જિવતર લઇને અવતરવાનું આવ્યું-એની રામાયણ છે,
પહેલા તો સપનું થાવુ 'તુ સપના બદલે આંસુ થ્યા, ને આંસુ થ્યા તો ઝરમરવાનું આવ્યું-એની રામાયણ છે.

આમ જુઓ તો શ્ર્ધ્ધા - બધ્ધા ધરમ - બરમ કે મંદિર સાથે કોઇ પ્રકારે ના જોડાયા-નું ગૌરવ છે શ્વાસે-શ્વાસે,
આમ જુઓ તો નાસ્તિક જેવા નાસ્તિક થઇને ઇશ્વરની મુરત સામે જઇ કરગરવાનું આવ્યું-એની રામાયણ છે.

રોજ સવારે ભીની ભીની ઝાકળ જેવી ગમતી ક્ષણને સૂરજના પડકારની સામે ઉછેરવામાં સફળ થયા, પણ,
રોજ સાંજના દરિયા જેવી ઇચ્છાઓને છિપલા જેવા શ્વેત - નગરમાં સંઘરવાનું આવ્યું - એની રામાયણ છે !

યાદોના પેસેન્જર સાથે ફિક્કા શ્વાસના ખંજર સાથે સડસડાટ દોડી આવી છે 'ભુતકાળ' નામે કોઇ ટ્રેન,
સાવ અકારણ ખુલ્લમ ખુલ્લી છાતી લઇને, વર્તમાનના પાટા થઇને થરથરવાનું આવ્યું - એની રામાયણ છે.

- જિગર જોષી 'પ્રેમ'

Thursday, November 19, 2009



બાળકી આજે જરા ગુમસુમ હતી,
આજ નક્કી કોઇએ તેડી નથી.
- જિગર જોષી 'પ્રેમ'

अरे हम वो नहीं जो बारहा राहे बदलते हैं
हमारा नाम साया है तुम्हारे साथ चलते हैं
- जिगर जोषी "प्रेम"

Tuesday, November 10, 2009













તપસ્વીપણાનો આ બોજો હવે જિર્ણ શ્વાસો ઉપરથી ઉતરશે કે નૈં ? હેં ?
હળાહળ ફરી આજ ચર્ચા થઈ છે ફરી કોઈ ક્રોસે લટકશે કે નૈં ? હેં ?

ધડાધડ ધડાધડ આ શબ્દોની વર્ષા ; કડડ્ભુસ કરતાં આ કાગળના વાદળ
કલમ જાણે ચોમાસુ થઈને મળી છે ; ગઝલ થઈને કોઈ પલળશે કે નૈં ? હેં ?

બધી મોસમોને ગજરમાં છુપાવી અઢારેકની એક કન્યા ગઈ છે
બધે એજ ચર્ચા વધી છે નગરમાં હવે ક્યાંય ફૂલો ઉઘડશે કે નૈં ? હેં ?

સમય શ્વેત રોગોના વસ્ત્રો સજીને ભલે દિવ્યતાઓનો વૈભવ બતાવે
અરીસો અગર એની સામે ધરીશું તો પોતેય પણ ચોંકી ઉઠશે કે નૈં ? હેં ?

અહીં લોકને વારસામાં મળ્યું છે ' નિસાસાના વમળોમાં અટવાતા રે'વું'
અહીં જન્મથી એક્ધારું જિવન છે પરીસ્થિતિ અહીની બદલશે કે નૈં ? હેં ?
જિગર જોષી 'પ્રેમ'

જો બાળપણનું બારણું ખોલી શકાયું હોત !
તો આંગણામાં આભની લાવી શકાયું હોત !

માણસપણું સતત મને અવરોધરુપ છે
હું ફૂલ હોત તો વળી ઉઘડી શકાયું હોત !

સપનાઓ તીક્ષ્ણ ધાર બની ખૂંચતા રહ્યા
નહિતર તો ખૂબ ચેનથી ઊંઘી શકાયું હોત !

દુ;ખ પથ્થરોની જેમ સખત હોય છે 'જિગર' !
દુ;ખ કાચ જેમ હોત તો ફોડી શકાયું હોત !

આ તો તમારું 'આવવું' વરદાન થઈ ગયું
જીવન નહીં તો 'પ્રેમ'થી ડહોળી શકાયું હોત !

જિગર જોષી 'પ્રેમ'

...છતાં હાથ ખાલીના ખાલી રહ્યા છે

પરાપૂર્વથી કોઈ આપી રહ્યુ છે છતાં હાથ ખાલીના ખાલી રહ્યા છે
ભિતરથી જ એનું પગેરું મળ્યું છે છતાં હાથ ખાલીના ખાલી રહ્યા છે

પણે ક્યાંક કરતાલ વાગ્યાનો વૈભવ અને હાથ આખ્ખોય દાઝ્યાનો વૈભવ
તળેટીથી ટોચે બધું ઝળહળ્યું છે છતાં હાથ ખાલીના ખાલી રહ્યા છે

હતી એક જણ પાસે બે-ચાર બુંદોની આશા અને સામે એ જણ જુઓ તો -
મને આખ્ખું ચોમાસુ આપી રહ્યું છે છતાં હાથ ખાલીના ખાલી રહ્યા છે

ઘણીવાર ભગવાઓ ધારણ કરીને ભિતર કોઈ મીરાંનું મંથન કરું ત્યાં-
તરત મોર પિંછું નજરમાં ચડ્યું છે છતાં હાથ ખાલીના ખાલી રહ્યા છે

સિકંદર સમું વિશ્વ આખું ફર્યો છું ; પહાડો સમા અશ્વ કાબુ કર્યા છે
અને યોધ્ધા જેવું "જિગર" સાંપડ્યું છે છતાં હાથ ખાલીના ખાલી રહ્યા છે
જિગર જોષી 'પ્રેમ'

ગીત



અમે માંગ્યો 'તો ખોબો ભુતકાળ
બિલ્લી પગેથી એણે આવીને ખભ્ભા પર ધબ્બ દઈ ખડ્ક્યો વેતાળ

પ્રશ્નોના તીર થકી વિંધ્યા કરે છે મને ખભ્ભા પર બેઠેલો થાક
સહેજ દઉં જ્યાં જવાબ મને પંપાળી કે'શે "ભઈ તું તો છો જબરો ચાલાક !
પગમાં કપસિયુના ટોળા ઊભરાયા ને જીવનભર ચઢવાનો ઢાળ

અમે માંગ્યો 'તો ખોબો ભુતકાળ

શ્રધ્ધાના ત્રાજવામાં મૂકી 'તી જાત છતાં પલડું તો શંકાનું ભારે
જીવ્યો છું એમ જાણે બે-બે લગામ ઝાલી બેસવાનું હોય એક અસવારે !
પોતાના હાથમા જ ઊગેલી રેખાને કેમ કરી દેવી કોઈ ગાળ

અમે માંગ્યો 'તો ખોબો ભુતકાળ

જિગર જોષી 'પ્રેમ'

યુગોથી / જિગર જોષી 'પ્રેમ'

ફરી સાંજ ઢળશે ફરી રાત પડશે અહીં એ જ ચક્કર ફરે છે યુગોથી
અજબ રેસમાં સૌને મૂકી દઈને સમય મૂછમાંથી હસે છે યુગોથી

વસાતા નથી પાંપણોના કમાડો...પણે લાગણી તરફડે છે યુગોથી
પુરાતન સમી સાવ જર્જર અમારી આ આંખોમાં સપના સડે છે યુગોથી

સમસ્યા વિહોણું જિવન જીવવું એ તો ઝાકળને શ્વાસોમાં ભરવા સમું છે
હકીકતથી વાકેફ હોવા છતાંયે બધાં આવું જિવન ચહે છે યુગોથી

થશે મદભરી મસ્ત મોસમની વર્ષા ક્યહીં, એમ ધારીને ફોગટ બિચારું -
અમારા નસીબોનું ચાતક હથેળીની ડાળે જુઓ કરગરે છે યુગોથી !

ક્યહીં જિર્ણ શ્વાસો ક્યહીં છે નિસાસો ક્યહીં 'પ્રેમ' - પીડાનો અફસોસ ખાસ્સો
ક્યહીં ફુગ્ગા જેવી ગમંતી ક્ષણોને સતત ટાંકણીઓ અડે છે યુગોથી

જિગર જોષી 'પ્રેમ'

અમે જોયું છે સાવ સગી આંખે
દરિયાનો ઓટોગ્રાફ આપવાને આવે છે મોજાઓ રોજ રોજ કાંઠે
અમે જોયું છે સાવ સગી આંખે

એને જોવાને જઈએ ભઈ સાંજકના રોજ અમે દરિયાના પહેલેથી ફેન
રેતીને સ્પર્શી એ તો ફૂટે છે ગીત અને અંગુલી થઈ જાયે પેન
છીપલાના ઓરડાથી શબ્દોના મોતિડાં ઝીણું ઝીણું રે સહેજ ઝાંખે

અમે જોયું છે સાવ સગી આંખે

દરિયાને જેમ અમે મળવા જઈએને એમ દરિયો પણ આવે છે મળવા
સોરી હો 'પ્રેમ ' જરા બીઝી હતોને... મને દેખીને લાગે કરગરવા
મૂકીને મન પછી ભેટવાને આવે ને બોજ બધો ઊતારી નાખે

અમે જોયું છે સાવ સગી આંખે

- જિગર જોષી 'પ્રેમ'
સાગરની વારતા અને પથ્થરની વારતા
બચપણની સાથ ગઈ મરી દફતરની વારતા

નાસ્તિકપણુ સ્વભાવથી અળગુ થઈ ગયું
કોણે કહી હશે મને ઈશ્વરની વારતા !?

એમાં તો ક્યાંય ઝેરનો ઊલ્લેખ પણ નથી
પાછા કહો છો એ હતી શંકરની વારતા !

ફૂલોનો હાલ શું થયો ? જાણી જશે જો તું
સાચ્ચેજ નૈં ગમે પછી અત્તરની વારતા.

બાકી તો 'પ્રેમ' કોઇનું એવું ગજું નથી
આંખોજ વર્ણવી શકે ઝરમરની વારતા.

-જિગર જોષી 'પ્રેમ'
સાગરની વારતા અને પથ્થરની વારતા
બચપણની સાથ ગઈ મરી દફતરની વારતા

નાસ્તિકપણુ સ્વભાવથી અળગુ થઈ ગયું
કોણે કહી હશે મને ઈશ્વરની વારતા !?

એમાં તો ક્યાંય ઝેરનો ઊલ્લેખ પણ નથી
પાછા કહો છો એ હતી શંકરની વારતા !

ફૂલોનો હાલ શું થયો ? જાણી જશે જો તું
સાચ્ચેજ નૈં ગમે પછી અત્તરની વારતા.

બાકી તો 'પ્રેમ' કોઇનું એવું ગજું નથી
આંખોજ વર્ણવી શકે ઝરમરની વારતા.

-જિગર જોષી 'પ્રેમ'
હવે આગળ કશે રસ્તો નથી એ પણ હકીકત છે
હું પાછૉ ક્યાયથી વળતો નથી એ પણ હકીકત છે

સતત ફરિયાદ, ઈર્ષાઓ, સખત પીડા ને સીમાઓ
છતાં આ જિંદગી ધક્કો નથી એ પણ હકીકત છે

બધી ડાળે બહારો છે બગીચાઓય મહેકે છે
અને ત્યાં નામનો ટહુકો નથી એ પણ હકીકત છે

સમય જ્યારે મળે ત્યારે તને સંભારતો રહુ છું
સમય ક્યારેય પણ હોતો નથી એ પણ હકીકત છે

ભલે એમાંય છે તોફાન, ભરતી - ઓટ, મોજા, 'પ્રેમ',
છતાં આ આંખ એ દરિયો નથી એ પણ હકીકત છે

- જિગર જોષી 'પ્રેમ'
એને નડ્યો છે એનો સ્વભાવ
ઈગોના આલીશાન મહેલો ચણીને એણે બાંધ્યા છે ભ્રમના તળાવ

એને નડ્યો છે એનો સ્વભાવ

પ્લાસ્ટિકના ફૂલોથી મઘમઘતી રાખે છે ડેકોરેટેડ ફૂલ્છાબ
એક બેલ મારે ત્યા ચાર જણ પૂછે કે ઔર કુછ ચાહિયે હૈ સા'બ ?
મલ્લમ લગાવે છે જેમ જેમ એમ એમ ઉંડો થયો છે એનો ઘાવ

એને નડ્યો છે એનો સ્વભાવ

દરિયામાં ડૂબકી લગાવે પણ શર્ત એનું પાણી ના હોવું જોય ખારું
રેઈનકોટ પહેરીને ભીંજાવા નીકળૅ ને સૂરજમાં શોધે અંધારું
બારણાં પર ટાંગ્યું છે "વેલ-કમ"નું બોર્ડ, કોઈ આવે તો ક્યે નૈં કે 'આવ'

એને નડ્યો છે એનો સ્વભાવ


- જિગર જોષી "પ્રેમ"

Tuesday, November 3, 2009

"જન્મ પહેલાનું સ્વપ્ન" / જિગર જોષી 'પ્રેમ'



" હાલુલુલુલુલુ !
અરે ! મારો દીક્કો !
અરે ! મારું ચકુડીયું !
"આવા તો કૈક સંબોધનોના વરસાદ
મને પણ ભીંજવી નાખશે...

પણ મમ્મી ! એ તો કહો,
મારું નામ શું રાખશો ?????
હં...!!!! મારું નામ રેશમ રાખીએ તો ??
હા, હું મખમલી સ્વભાવ લઈને
જીવવા માગુ છું.
પણ, આ નામ તો જૂનું છે નહિ ????
કૈક નવું વિચારોને !?
હં...!!! "ખુશી ?"
આમેય હું ઘરમાં આવીશ
એટલે
આંગણામાં ખુશીઓનો કલબલાટ હશે...
સૌની આંખોમાં એક 'ફૂલ'ને તેડ્યાનો તરવરાટ હશે...
પંખીની પાંખોમાં મને જોવાનો ફ્ફ્ડાટ હશે...
અને "ખુશી" આવ્યાની ખુશી તો સૌના
કાને પડઘાવાની, સિવાય કે મારી મા !
કેમ કે, એક દિકરીનો અવાજ સંભળાય
એવા કાન નથી મળ્યા મારી મા ને !!....
એને તો બસ દિકરો જ........
જવા દ્યોને
હું પણ સાવ ગાંડી છું ; ખબર છે કે
અમુક સપનાઓ
ક્યારેય સાચા નથી પડતા છતાંય
આ નફ્ફ્ટ આંખને આવા સપનાઓ જોવાની કૂટૅવ પડી છે....
'શું બધાની મમ્મી આવી જ હશે ?
તો મારી મમ્મીની મમ્મી કેમ આવી નહોતી ?
"હાલુલુલુલુલુ !
અરે ! મારો દીક્કો !
અરે ! મારું ચકુડીયું !
"આવા એક્કેય સંબોધનોના વરસાદ
મને નહીં ભીંજવે...અને મમ્મી મારું નામ રાખશે "જન્મ પહેલાનું સ્વપ્ન"
અને એને આંખમાં જ ગુંગળાવી મારશે, અરધી રાતે...!

- જિગર જોષી 'પ્રેમ'

અધવચ્ચે જ.... જિગર જોષી 'પ્રેમ'


બસ
તારા પગરવનો વરસાદ જ્યારથી
થંભી ગયો છે
ત્યારથી મારી બાલ્કનીની એકલતા
મને રોજ
ઘેરી જાય છે - સાવ કોરાકટ્ટ વાદળોની જેમ.....


ઘરે આવીને કેટલીયેવાર મન થાય છે કે
ઝ્ભ્ભાની સાથે સાથે ખાલીપો પણ
ટાંગી દઉં ખીંટીએ

પછી

સિગાર જલાવી લઉં છું - ખાલીપાને ગુંગળાવી મારવા.....

આરામ ખુરશીમાં રોજ સાંજ તો પડે છે - આરામ વગરની...

બાજુના ટેબલ પર પડૅલો ચાનો કપ
રોજ અફસોસ કરે છે - નહીં પીવાયાનો...

સુક્કી થઈ મારી આંખોની ધરતીમાં,
મોસમોએ કટલાયે પ્રયાસો કર્યા છે - ભીનાશ રોપવાના...

હજી પણ સાંજે છ ના ટકોરે
તને મળવા દોડી જવાનું મન થાય છે,
ને મન પોતે જ અટવાય છે - મળવાના કારણ શોધવામાં...

'ને પછી સાંજમાંથી રાત... રાતમાંથી સવાર થઈ જાય છે - મારી ઈચ્છાઓની....
...ને મારી સિગાર અધવચ્ચે જ....
- જિગર જોષી 'પ્રેમ'

Thursday, April 30, 2009

ઉદાસી


આઝાદ ગઝલ ; જિગર જોશી 'પ્રેમ'

જિંદગીભરના ગ્રહણવાળી મળી છે દોસ્ત રાશી મને,
જેમ બાળક માને વળગે એમ વળગી છે ઉદાસી મને.

માર્ગ સાથે કોઈ સંબંધો નથી આમ તો,
કોઈ પગલું કાયમી રાખે પ્રવાસી મને.

વેદનાના ગર્ભને વાઢવા
રાત આપી છે અમાસી મને.

ચાંદની સ્પર્શવા,
દે અગાસી મને.

Saturday, February 28, 2009



તડકાની મોસમમાં લાગે છે ટાઢક ને ઠંડીની મોસમમાં લૂ...
તને સત્તરમું બેઠું કે શું ?


જિગર જોષી "પ્રેમ"


ઍવું ગજૂ નથી કે છુપાવું આ ઘાવને
તસવીર જેમ ટાંગશું તારા અભાવને.

આઘેથી એક મત્સ્ય પરી જોઈ ને પછી
દરિયાને કીધુ 'એ ય પરીચય કરાવને !

હોઠૉના સૌ કમાડ કરીને જરાક બંધ
કેવું સરસ એ મૌનમાં બોલી 'તી "જાવ ને"

ઈચ્છા તો છેલ્લી એજ કે દર્દોનું ઘર મળે
દુખતી રગોને સહેજ તું પાછી દબાવને.

તારા સ્મરણથી કાલ છલોછલ ભર્યુ 'તું જે
જોયા કરું છું આજ એ ખાલી તળાવને.

પીળાશ પાનખર સમું ક્યાયે કશું નથી
કમળૉ થયો છે "પ્રેમ" તમારા સ્વભાવને..
જિગર જોષી "પ્રેમ"