Thursday, February 5, 2015

ગઝલ : ઊગવાનું છે : જિગર જોષી ‘પ્રેમ’

યાદ છે? તારે શું થવાનું છે?
: ભીંત તોડી ને ઊગવાનું છે.

ફ્ક્ત આંખો સુધી જવાનું છે?
કે પછી એમાં ડૂબવાનું છે?

પાને પાને છે ઝેર પુસ્તકમાં,
પાને પાનું આ ચૂમવાનું છે.

જે છે એનું કશું જ મૂલ્ય નથી!
જે નથી એનું ઝૂરવાનું છે.
 

સ્હેજ આંખો હજી તું ખોલ ‘જિગર’!
આંસુને પાછું મૂકવાનું છે.

Thursday, October 21, 2010

ગઝલ : નથી મળાતું : જિગર જોષી ‘પ્રેમ’

વાતાવરણ આ જોઈ પોતે જ થોથવાતું
આંખોમાં શું હશે આ સંધ્યાની જેમ રાતું?

‘ગાંધી’ના નામે ફેશન કરનારને કહો કે-
ખાદી પહેરવાથી ગાંધી નથી થવાતું.

‘ઓહો ! ઘણાંય વખતે ?’ એમ આયનાએ પૂછ્યું,
મેં પણ કહ્યું કે ‘હા ભઇ ! હમણાં નથી મળાતું’

હોંઠોની ડાળખી પર આખી વસંત લઇને,
એક નામ પંખી જેમ જ આવીને રોજ ગાતું.

નહિતર તો ક્યારનોયે તમને હું ભીંજવી દેત,
મારાથી કોઇ રીતે વાદળ નથી થવાતું.

Saturday, October 9, 2010

કવિ શ્રી મહીપતરામ જોષી એવોર્ડ અર્પણ કરવા બાબત.

ઉપરોક્ત વિષય પરત્વે સવિનય જણાવવાનું કે સૌરાષ્ટ્રના જાણીતા બાળ સાહિત્યકાર શ્રી મહીપતરામ જોષીની સ્મૃતિમાં સ્થપાયેલ ટ્રસ્ટ “જીવનકલા ફાઉન્ડેશન”, રાજકોટ દ્વારા આગામી વર્ષથી દર વર્ષે બાળ સાહિત્યની ઉમદા સેવા કરનાર માટે નિયમિત રીતે એક એવોર્ડ આપવાનું આયોજન કર્યું છે. એવોર્ડ માટે પસંદગી પામનાર સર્જકને સન્માનપત્ર, શાલ અને ધનરાશી આપવામાં આવશે.
કોણ ભાગ લઇ શકે ?
૧. બાળ સાહિત્યકાર (બાળગીતો, બાળ વારતા, બાળ કાવ્યો, જોડકણાં, ઉખાણા, વિગેરે જેવા બાળસાહિત્યના સ્વરૂપોમાં સર્જન કરનાર સર્જક)
૨. બાળ સાહિત્ય અંગે નોંધપાત્ર સંશોધન કરનાર
૩. અન્ય ભાષામાંથી ગુજરાતી ભાષામાં બાળ સાહિત્યના કોઇપણ પ્રકારનો ઉત્તમ અનુવાદ-ગ્રંથ-પુસ્તક કરનાર
એવોર્ડ માટે આ બાબતો ધ્યાને લેવી

૧. કવર ઉપર સુવાચ્ય, સ્પષ્ટ અને મોટા અક્ષરે “કવિ શ્રી મહીપતરામ જોષી એવોર્ડ માટે” એમ લખવું, અન્યથા મોકલનારની એન્ટ્રી ઉક્ત એવોર્ડ માટે ધ્યાને લેવામાં આવશે નહી.
૨. દરેક સર્જકોને વિનંતી કે વર્ષ ૨૦૦૩ પછી પ્રકાશિત થયેલા જ બાળ સાહિત્યના સ્વરૂપોમાહેના કોઇપણ સ્વરૂપના પુસ્તકની એક-એક નકલ મોકલવી.
૩. ઉલ્લેખનિય છે કે આ એવોર્ડ માટે એન્ટ્રી મોકલનાર સર્જકના બહુ વધારે સંખ્યામાં પણ પુસ્તકો પ્રગટ થયા હોય, છ્તાં એમના તરફથી “જીવનકલા ફાઉન્ડેશન-રાજકોટ”ને મોકલવામાં આવેલ પુસ્તકોને જ માન્ય રાખવામાં આવશે-જે ખાસ ધ્યાનમાં લેવું.
૪. મોકલનાર તમામ સર્જકે સુવાચ્ય અક્ષરે પોતાનું નામ, સંપૂર્ણ પરિચય, પાસપોર્ટ સાઇઝના બે (૨) ફોટોગ્રાફ્સ મોકલવા અનિવાર્ય છે.
૫. આ એવોર્ડ માટે “જીવનકલા ફાઉન્ડેશન-રાજકોટ” નો નિર્ણય આખરી રહેશે. કોઇપણ સર્જકનો કોઇપણ પ્રકારનો હસ્તક્ષેપ રહેશે નહીં
૬. આ એવોર્ડ માટે કોઇપણ પ્રકારની પૂછપરછ માત્ર ટપાલ મારફત કરવી અથવા Email: jigarmsw@gmail.com પર પૂછી શકો છો. (આપ સુજ્ઞ છો વ્યસ્તતાને સમજી શકો છો)
૭. એન્ટ્રી મોકલવાની છેલ્લી તારીખ ૩૧/૧/૨૦૧૧

એન્ટ્રી મોકલવાનું સરનામુ:
ચંદ્રિકાબેન જોષી, પ્રમુખ શ્રી જીવનકલા ફાઉન્ડેશન-રાજકોટ, ૫૯/ ગંગોત્રી પાર્ક, યુનિ. રોડ, રાજકોટ-

Monday, September 6, 2010

કવિતાના ક્ષેત્રમાં ‘હિતેન આનંદપરા’ એ સભાનપણે ઊગી ચૂકેલો સૂરજ છે

-જિગર જોષી ‘પ્રેમ’
[એક પીછું હવામાં તરે છે : લે. હિતેન આનંદપરા, પ્રકાશક: ઇમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ. પ્રથમ આવૃત્તિ – ૨૦૦૮, મૂલ્ય રૂ. ૧૦૦/-]

‘એક પીછું હવામાં તરે છે’ એ હિતેન આનંદપરાનો સ્વતંત્ર કાવ્યસંગ્રહ છે. કવિતાના ક્ષેત્રમાં હિતેન આનંદપરા એ સભાનપણે ઊગી ચૂકેલો સૂરજ છે. બહુ ઓછા કવિઓ આપબળે આ ક્ષેત્રમાં પોતીકો અજવાસ પાથરી શક્યા છે અને કવિ શ્રી હિતેન એમાંના જ એક છે. કવિવર શ્રી સુરેશ દલાલ આ કવિ માટે એવું લખે છે કે “કવિતામાં હિતેન પાસે વૈવિધ્ય પૂરતું છે. લખવું એને માટે આદતનું કામ નથી. એ ઘૂંટીને લખે છે”

મુંબઇ જેવા દોડતા શહેરમાં વસવાટ કરવા છતાં આ કવિએ એની કલમમાં ‘શાંતચિત્ત’નું વાતાવરણ બ-ખુબી ઉપસાવ્યું છે. ફ્લેટની આબોહવા વચ્ચે રહીને પણ પ્રકૃતિને ભરપૂર ચાહવાનો લુત્ફ આ કવિ ઉઠાવે છે. ક્યાંક બચપણની એ ગલિઓમાં આપણને ઉઘાડા પગે લઇ જવા કોશિષો કરે છે, તો ક્યાંક કિશોરાવસ્થાની નવી વ્યાખ્યાઓ આપણી સમક્ષ ચિતરી આપે છે. ક્યાંક મૂછના દોરા જેવા યુવાન કલ્પનો જન્માવે છે, તો ક્યાંક “જિંદગીનું છેલ્લું સ્ટેશન” એટલે કે વૃધ્ધાવસ્થાને પણ ખુબ સૂક્ષ્મતાથી આપણી આંખમાં કોઇ સપનાની જેમ વહેતું મૂકી આપે છે. એક રવાનગી છે આ કવિ પાસે વાતાવરણ રચવાની ! આ કવિ ગઝલમાં ‘ચોમાસા’ની જેમ ખુબ ભીંજાવી દે છે, તો ગીતોમાં ‘શિયાળા’ જેવી ઠંડક આપે છે અને ગદ્યકાવ્યોમાં આપે છે ઉનાળામાં ખિલેલા ગુલમ્હોર જેવી ઐશ્વર્યતા ! કોઇ એક કવિ પાસેથી બહુ ભાગ્યે જ આવી સક્ષમતાભરી વૈવિધ્યતા સાંપડી શકે છે. આ કવિએ સ્વભાષાને ગૌરવ અપાવ્યું છે એમ કહેવું અતિશયોક્તિ ભર્યુ નથી લાગતું આવો તમને રૂ-બ-રૂ કરાવું એમની કાવ્ય યાત્રાથી....

જેટલી દુનિયામાં ભલમનસાઇ છે
એ બધીયે ઝાડમાં સચવાઇ છે (પૃ. 14)

ખુદથી અળગા થઈ ખુદાને ચાહવાનું કર શરુ
જગને છોડી જાતને સમજાવવાનું કર શરુ (પૃ. 10)

વધુ પડતી વિકસતી ડાળ છું, ખુદ ઝાડને નડુ
દયા રાખ્યા વગર તુર્ત જ મને થડથી કરો અલગ (પૃ. 11)

ન થોપો આપણાં સિધ્ધાંત સંતાનો ઉપર સદા
નવી હોડીને થોડી વાર તો સઢથી કરો અલગ (પૃ. 11)

એક ચકલીનું અનાયાસે ખભે બેસી જવું,
એક ક્ષણ પંખી થયાનો પણ ગજબ ઉન્માદ છે. (પૃ.12)

સુકાયેલી નદીના ક્યાંકથી પગરણ મળી આવે
વિખૂટું થઈ ગયેલું એ રીતે એક જણ મળી આવે
ખખડધજ, કાટ લાગેલી, જૂની બિસ્માર પેટીમાં,
ખજાનો શોધવા બેસો અને બચપણ મળી આવે (પૃ. 16)

એકદમ તાજા ખિલેલા ફૂલને સ્પર્શે પવન,
એ અદાથી જો તને થોડું અડ્યો તો શું થયું ? (પૃ. 27)

આ કવિ ઘૂંટીને લખે છે એટલે જ એની કવિતામાં એક નોખી તાજગીનો અહેસાસ સતત વરતાયા કરે છે. ‘કવિતા’ એ શબ્દોનો સરવાળો નથી. એ આપણી લાગણીઓનો પ્રવાસ છે. જેમાં ‘થાક’ કથા બની જાય છે, અને ‘કથા’માંથી ‘કલા’માં પરીણમે છે. ‘કવિતા’ એ ‘જીવન’ છે. જેમાંથી ‘જીવ’નો જન્મ થાય છે. એ શક્યતાઓના બારણા ખોલી આપે છે. એ ‘ક્ષણ’ને સુક્ષ્મતાથી માણતા શિખવે છે. ‘કવિતા’ ભાષાને સરળ બનાવે છે. ‘કવિતા’માં આકાશ અને સમંદર જેવા બે ગુણો રહેલા છે. એક ‘ઉંચાઇ’નો અને બીજો ‘ઉંડાણ’નો.. કવિતા એક કક્ષાએ પહોચ્યા પછી આપોઆપ ફિલોસોફીની પાંખો પહેરી લઇને ઉડાન ભરવા માંડે છે. આવા બધા જ અનુભવો આ કવિની કાવ્યયાત્રમાંથી પસાર થતી વખતે સહજ થઈ આવે છે.
આ કવિ ક્યાંક ‘સખિ’ રદિફ લઇને દીર્ઘ ગઝલ સરજે છે, તો ક્યાંક ગીતોમાં ભગવા રંગોના લસરકા મારીને એક નોખુ જ કેનવાસ આપણી નજર સામે મૂકી આપે છે. આ કવિના ગીતોની પંક્તિનો ઉપાડ વાચક-ભાવકને સહજ વાંચવા માટે પ્રેરે એવો છે. જુઓ...હરિ તમારી કિટ્ટા, અચરજ દૂર સુધી દેખાય, પાણી વહેતું જાય નદીનું, સગડ મળે જો તારા, સહજ તને હું સ્મરું, જેવી ભગવા રંગી-ફિલોસોફીની વાત હોય કે પછી સેન્સેક્સની જેમ હુંયે ઊંચે ચઢું કદી મારોયે ભાવ તો લગાવો... જેવી આધુનિક્તાની રમૂજભરી શૈલિ હોય, ઓલ રાઉન્ડર જેવી ઇફેક્ટીવ ઇમેજ એ ક્રિએટ કરી શકે છે. ડિપ્રેશન, બપોર, ભેરુ, ધૂમ્રવલય, અંધારું, એક સમસ્યા, જેવા શિર્ષકથી રચાયેલા ગદ્યકાવ્યો પણ આ સંગ્રહની વિશેષતા છે અને તમને બીજું શું કહું રમેશ પારેખ નામના ગદ્યકાવ્યમાં એક કવિ, કવિને કેટલું ચાહતો હોય છે એની ઉત્તમોત્તમ ભાવોભિવ્યક્તિ સરજીને આ કવિ જાણે ર.પા.ને સ્મરાંજલિ આપે છે અને કવિ તરીકેનું ઋણ અદા કરે છે.

સાંપ્રત સમયમાં એક પીછું હવામાં તરે છે - કાવ્યસંગ્રહ, પોતાની એક નોખી મૂદ્રા ઉપસાવે એવો સંગ્રહ છે. આ કવિને અઢળક શુભેચ્છાઓ. અને હજી ભવિષ્યમાં એમની પાસેથી બળકટ રચનાઓ મળતી રહે તેવી આશા સાથે અસ્તુ.

Saturday, July 24, 2010

ગીતઃ તારી જો કોઇ ટપાલ આવેઃ જિગર જોષી ‘પ્રેમ’

તારી જો કોઇ ટપાલ આવે
શેરી શેરી આંગણ આંગણ રેશમવરણું વહાલ આવે

તારી જો કોઇ ટપાલ આવે

ડેલી ઊપર ટાંગેલા આ પોસ્ટ-બોક્ષને કૂંપળ ફૂંટે
તારા અક્ષર જાણે વાદળ હેલી થઈને માઝાં મૂકે

ભીનેરી એ ક્ષણમાં ન્હાવા બાળક જેવી ધમાલ આવે
તારી જો કોઇ ટપાલ આવે

આંખ ઉમળકો લઇને ઘૂમે ; મન પણ ભીતર ભીતર ઝૂમે
‘પ્રિયે’ લખેલાં એક શબ્દને ઊંગલિ હજાર વેળા ચૂમે

નાજુક નમણાં હોંઠે જાણે ગમતો કોઈ સવાલ આવે
તારી જો કોઇ ટપાલ આવે

અછાંદસ : નિખાલસપણે : જિગર જોષી ‘પ્રેમ’

વાદળાઓના હાથથી
છુટી ગયેલી ભીનાશ
ગઇ કાલે મારા શહેરમાં ભૂલી પડી હતી ભટકેલા મુસાફરની જેમ.
સ્વભાવગત એણે મને સરનામું પૂછ્યું
: ને મેં
નિખાલસપણે મારી આંખો સામે આંગળી ચીંધી દીધી.

ગીત : એને કહિ દ્યો કે... ! : જિગર જોષી ‘પ્રેમ’

એને કહિ દ્યો કે આવે નૈં યાદ
વિતેલી યાદોના પહાડ ચડીને મારે સાંભળવો નથી કોઈ સાદ
એને કહિ દ્યો કે આવે નૈં યાદ
પગલાઓ ભૂંસીને ચાલ્યા કરું છું હવે અધકચરા જિવતરની રેતમાં
અણધાર્યા શ્વાસોને ક્રોસ ઉપર ટાંગીને ઊભો છું ઈસુ – સંકેતમાં
પુરાતત્વવિદોને સાથે લૈ શોધું છું દટ્ટાયેલ હાસ્ય એકાદ
એને કહિ દ્યો કે આવે નૈં યાદ
ઇચ્છાના રસ્તા તો લંબાતા જાય અને વૃધ્ધ મારી આંખોમાં થાક
પાંગરતા પાંગરતા લાગી ગૈ પાનખર ને લાગણીઓ થૈ ગૈ છે રાખ
ઓચિંતા વાદળ બંધાય મારી આંખમાં ને ગાલ ઉપર વરસે વરસાદ
એને કહિ દ્યો કે આવે નૈં યાદ

Monday, June 14, 2010

શબરી જેવા શ્વાસ

શબરી જેવા શ્વાસ લઈને વિનવું છું હે રામ
રુદિયે આવી તમે વસોને તો જ મળે આરામ

દરશ તમારા કરવા કાજે નૈંન સદાય અધીરા
લગે આયખુ એવું જાણે ભજન વિના મંજીરા
બધા નામથી ઢૂકડું લાગે એક તમારું નામ

રહ્યા શ્વાસની રજાઇ તમને આવી હું ઓઢાડું
પ્રભુ તમારા વિણ સાચે આ નથી હાંકવું ગાડું

બધું તમારું તમને પાછું સોંપી દઉં છું રામ

અછાંદસ : હું એટલે : જિગર જોષી ‘પ્રેમ’

અછાંદસ : હું એટલે : જિગર જોષી ‘પ્રેમ’
હું
એટલેઅધુરાં પત્રો
ટેબલ પર ઢોળાઈ ગયેલી ન ગમતી કોઇ ક્ષણની શ્યાહી
અગણિત રાતોના મીઠાં– કડવાં ઉજાગરાઓ
અધુરી સિગારેટોથી લથબથ એસ્ટ્રે
અડધો અડધ સળગાવી દીધેલી ડાયરી
ટેરવાની વચ્ચે થીજી ગયેલી રાત જેવી કલમ
ટેબલ પર જ્યાં ત્યાં વિખરાઇ પડેલા શબ્દો
પીળાશથી ઘેરાયેલો પહાડ
ખૂબ જ ગમતી ફોટો-ફ્રેમ પર પડેલી તિરાડ...
અરધી રાતે આંખ વચાળે ફફડી ઉઠેલા સપનાઓની ચીંસ
બે કાગળ મધ્યે રેશમ જેવા સંબંધનું મુરઝાઇ ગયેલું લોહી રંગનું ફૂલ
અને તું એટલે
આ બધાંયનું મૂળ !
‘શ્રધ્ધા...’

Friday, April 16, 2010

થાંભલાના તાર પર ટહુકાઓની જગ્યાએ ચીસ સંભળાતી હશે ! કેવળ ચીસ.. -જિગર જોષી ‘પ્રેમ’


ટેબલ પર પડેલા ચાના કપ ઉપર એક પંખીનું પ્રિન્ટેડ ચિત્ર છે. બરાબર મારી બેઠકની સામે ક્રોસમાં એક નાનકડી નાજુક બારી છે. બારીમાંથી (મારા નહીં) સામેના ફળીયામાં ઊગેલા લીમડાની અમુક ડાળીઓ રોજ મને કશુંક કહ્યા કરે છે. બારીની બાજુમાં રહેલી જુઈની વેલ મારા ઓરડામાં ડોકાઈ ડોકાઈને પોતે જિવંત છે એવો અહેસાસ કરાવ્યા કરે છે, પણ આ બધાની વચ્ચે ક્યાંય ટહુકાઓ સંભળાતા નથી. આજે વાત કરવી છે ટહુકા વિનાની વાંઝણી બની ગયેલી શેરીઓની. વાત કરવી છે એવા શહેરની કે જ્યાના વૃક્ષોને પંખીઓના માળાનો ફાલ બેસતો નથી. આજે વાત કરવી છે એવા ફળીયાની જેને ટહુકાઓના વિશ્વ વિશે કશી ગતાગમ રહી નથી....પણ આ બધું કોના કારણે ? ! આના માટે હું, તમે અને આપણો સમાજ જ જવાબદાર છે. રોજ અખબારી-યાદી અપડેટ થઈને મને આંગળી ચીંધીને ઊભી રહે છે. ‘આજે ફલાણા શહેરમાંથી ફલાણી સંખ્યામાં ફલાણા પંખીના મૃતદેહો હાથ લાગ્યા, વગેરે વગેરે...’
ક્યારેક તો માણસ જાતને બુધ્ધિહીનતાનો લકવો મારી ગયો હોય એમ લાગે છે. કારણ વિનાની ભૌતિક ચીજ વસ્તુઓની દોટ પાછળ પ્રકૃતિનો વિનાશ નોતરનારા માનવીનું માનવપણું કોણ જાણે ક્યાં ભાડે દીધું છે ! પુરાતત્વવિદોને જોઈને ક્યારેક એમ થાય છે કે એ લોકો કદાચ દટાયેલો ‘માણસ’ જ શોધતા હશે. ગઈ કાલે જ્યારે બજારમાંથી પંખી પરિચયનું એક પુસ્તક ખરીદ્યુ ત્યારે અમુક પંખીઓના તો નામ પણ પહેલી વેળા જ સાંભળ્યા કે જે આપણાં જ શહેરના (ભુતકાળના) વતની (રહેવાસી) હતા. આપણે આપણા વર્તમાનનું સરખી રીતે જતન નથી કરી શકતા તો આપણા બાળકોને શું ખાખ ઉજ્જ્વળ ભાવિ દેવાના ? ગગનચુંબી ઇમારતોના શહેરમાં ટહુકાઓ ન જ સંભળાય દોસ્ત ! ‘અમુક વસ્તુઓ તો ડીક્સનરીમાં જ શોભે’ એવા વાતાવરણમાં જીવવાની કળા આપણે હસ્તગત કરી લીધી છે.
તમારામાંથી કેટલાકને જે વાત કહેવી હતી એજ વાત આજે મેં મારા શબ્દોથી તમારા હાથમાં એક ટહુકાની જેમ વહેતી મૂકી છે. કાશ ! તમારા કાન એટલા સંવેદનશિલ હોય કે આ ટહુકો સાંભળી શકે...કદાચ આપ મેગા સીટીઝના વતની હશો તો આ વાત તમને એકદમ સૂક્ષ્મતાથી સ્પર્શશે અને ગામડાંના (જો કે ગામડાં પણ હવે શહેરીપણાંની ડીક્સનરીમાં જ અપડેટ થતાં જાય છે) વતની હશો તો નજીકના ભાવિની હેડકી રૂપે યાદ આવશે. ધીરે ધીરે એવો સમય આવશે જ્યારે ફળીયાઓ હીબકા ભરતા હશે ! ઝાડવાઓ ‘પર્ણ ખર્યાનો વસવસો ક્યાં ઠાલવવો’ એની મૂંઝવણ અનુભવતા હશે ! શેરીને જાણે ‘ખાલીપા’ નામનો અજગર ભરડો લઈને બેઠો હોય એમ લાગતું હશે! આકાશમાં ક્યાંક ઉડતું પંખી દેખાશે તો કોઇ અખબારી યાદીમાં ‘TITLE-PAGE’ પર બોલ્ડ અક્ષરોમાં પ્રકાશિત કરાશે. ફૂલોના શહેરમાં જાણે પરમેનન્ટ કર્ફ્યુનો માહોલ હશે ! વૃક્ષોની ડાળીઓ પર કલરવની બદલે સન્નાટાઓ ઝૂલતા હશે ! ટહુકાના આયનાઓ ફૂટ્યા પછી એની કરચો આપણી સંવેદનાના હાથને ચૂંભશે. એવે ટાણે આપણી આંખો કોઇ પંખી શોધવા દોડશે પણ ત્યારે આપણી દ્રષ્ટિને કદાચ અંધાપો ભરખી ગયો હશે ! મોસમના ઓરડાને જાણે તાળા લગાવવાની ફરજ પાડી હોય એમ લાગશે ! થાંભલાના તાર પર ટહુકાઓની જગ્યાએ ચીસ સંભળાતી હશે ! કેવળ ચીસ...ચબૂતરો એ જોવા લાયક સ્થળ તરીકે વિક્સાવવામાં આવશે ! પછી ધીરે ધીરે ‘અહીં પહેલાં ચબૂતરો હતો’ એવો જાજરમાન ભુતકાળ ‘ઇતિહાસ’ બનીને પાઠ્યક્રમમાં આપણી ભાવિ પેઢીને ભણાવવામાં આવશે. પ્રશ્ન પત્રમાં પહેલો જ પ્રશ્ન હશે કે ‘પંખી એટલે શું ?’ તેની કોઇપણ પાંચ વિશેષતાઓ વર્ણવો...તેના જવાબની શરૂઆત કદાચ આવી હશે કે આજથી 200 – 500 વર્ષ પહેલા પંખી નામનું જીવ આપણી ધરતી પર વિપુલ પ્રમાણમાં જોવા મળતુ હતુ વગેરે વગેરે...
મારી બારીએ આરામથી બે ઘડી બેસી અને ઊડી ગયેલી ચકલીની આંખો મારાથી વંચાઇ ગઈ અને આજે આ અર્ટિકલ લખાઈ ગયો છે. મને શ્રધ્ધા છે કે તમને આ ચકલીનો ટહુકો સંભળાશે.
---- ટહુકો ----
કવિ શ્રી ગૌરાંગ ઠાકરનો એક શે’ર આ તકે યાદ આવે છે
આ ગગનચુંબી ઘરો સર્જાય છે,
આભ તો પંખીનું ઓછુ થાય છે.

ઇશ્વરે ક્યારેય ‘પોતે છે’ એવી પબ્લિસિટી કરી નથી ને એને એમાં રસ પણ નથી.....- જિગર જોષી ‘પ્રેમ’

જે આંખમાં ભીનાશ નથી ત્યાં ઇશ્વરનો વાસ નથી. દુ;ખ એ સુખની પૂર્વ શરત છે. પીડા એ પરમત્વ તરફની દિશા નિર્દેશ કરે છે.‘આંસુ’ એ ભાવિ આનંદનું તિલિસ્મી તત્વ છે. એક એવી સામાન્ય માન્યતા છે કે સ્ત્રીઓ મન ભરીને રડી લે છે અને પુરુષને રડવામાં પહાડ જેવડો અહમ આડો આવે છે. વિજ્ઞાન પણ આ વાતનો સાથ પુરે છે કે એક હદ સુધી જ આંસુને રોકી શકાય છે. અને એ હદ દરેક જીવ એકવાર તો વટાવી જ દે છે. આંખ એ એવો દરિયો છે જેમાં તોફાન ઉઠવું એ સાહજિક બાબત ગણાવી શકાય. દરિયામાં જેટલું ઉંડાણ છે એટલુ જ ઉંડાણ આંખ પણ ધરાવે છે, અને એ પણ દરિયા જેવી જ એક નોખી સૃષ્ટિની વારસદાર છે. આંખ એ વ્યક્તિત્વને છતું કરતું દરપણ છે. ને આ દરપણમાં સચવાઇને જિવન પર્યંત એક આખું વિશ્વ પડ્યુ રહે છે.
માણસ કંઇ કેટલુંયે સાથે લઇને જીવતો હોય છે. સમયનું રણ, સહેજ પોતિકુ વલણ, ઉછીના શ્વાસનું આવરણ, સતત પીછો કરતું પડછાયા જેવું સ્મરણ, અને નહીં જીવાયેલી અઢળક ક્ષણ... આ બધાયનો સરવાળો એટલે જ કદાચ ‘જીવન’ ! આમ જોઇએ તો કોઇ આર્ટ ગેલેરીમાં ઘટનાઓને એક ફ્રેમમાં મઢીને દિવાલ પર ટાંગી દીધેલું જીવન જ આપણે સૌ માણી રહ્યા છીએ. થોડી થોડી વારે એક નવો ચહેરો સાવ નવી અને જુદી જ નજરે આપણને નિહાળે છે અને પોતાની રીતે એનું તારણ પણ કાઢે છે. ક્યાંય જિવંતતા લાગતી નથી ! ક્યાંક કોઇ ફોટોગ્રાફર જેવી ક્ષણો આપણને કિલક કર્યા કરે છે. અને આપણે (પરાણે) સ્માઇલ આપતા રહીયે છીએ.
સાવ ખુલ્લા મને જીવતા આપણે ક્યારે શિખીશું એ એક ઉખાણું છે જેનો જવાબ હજી સુધી એકેય પેપર સોલ્યુસન્શમાં અંકિત નથી. આપણને હજુ આપણા અસ્તિત્વ વિશે પુરી સભાનતા નથી ત્યાં ઇશ્વરના હોવા ઉપર શંકા કરવા બેઠાં છીએ ! રોજ નવો ઉમંગ લઈને સવાર ઊગ્યા કરે છે. સૂરજ રોજ આકાશના બ્લેક-બોર્ડ પરથી ‘ગઈકાલ’ને લૂછ્યા કરે છે. સમય કાંડે ઘડિયાળ ન બાંધતો હોવા છતાંયે ક્યારેય મોડો પડતો નથી. આપણી આંખોને તાજગી મળે એટલે ફૂલો ઉગ્યા કરે છે. ઇશ્વરે ક્યારેય ‘પોતે છે’ એવી પબ્લિસિટી કરી નથી. એને એમાં રસ પણ નથી. પણ આપણને સહુને નેગેટીવિટીના ચશ્મા ચડાવીને ફરવાની આદત પડી ગૈ છે. અને આ ચશ્મા પર રોજ શંકાશિલતાની રજ ચોંટ્યા કરે છે એને સાફ કરવાની તસ્દી આપણે કેમ નથી લેતા એજ મોટો પ્રશ્ન છે. આપણે સામાન્ય રીતે આપણી હાર પચાવી શકતા નથી. એટલે સંજોગોને વિટનેસ પણ બનાવીએ છીએ અને ગુન્હેગાર પણ. આપણી પાસે દરેક હારના ‘ડીફેન્સ’ રેડી મેઈડ હોય છે. આપણે જેટલી મહેનત આવા (નકામા) કારણો શોધવામાં કરીએ છીએ એટલી મહેનત કદાચ નિર્ધારિત ધ્યેયને પામવામાં કરીએ તો ‘કોઇ પંખીની આંખ’ ચોક્ક્સ વિંધી શકીએ છીએ. કેમ ? Think about it.
પગથિયા ચડતી વખતે લાગેલો થાક પગથિયા ઉતરતી વખતે આનંદના ઉમળકા પહેરીને પગલાઓને ચૂમવા અધીરાઈ દાખવતો હોય છે. મંદિર એ શાંતિનું જન્મ સ્થળ છે. ત્યાંથી અલૌકિક શક્યતાઓની નવી ક્ષિતિજો શરૂ થાય છે. ઝાલરી રણકાઓ, હવા જેમ ફૂલોને અડકે એવી નાજુકાઈથી આપણા કાનને અડકતા હોય છે. સમાધી જેવું સાન્નિધ્ય તો કેવળ ઇશ્વર જ બક્ષે છે.
રોજ આપણામાં કશુંક ઉઘડવું જોઇએ. વરસાદ વરસ્યા પછી ચડી ગયેલા બારી-બારણા જેવા આપણે સૌ સમયસર ઉઘડી કે બંધ નથી થૈ શકતા એ વાતનો ભારોભાર અફસોસ છે. દરેકમાં કૈંક ને કૈંક એવી ક્રિએટીવીટી પડેલી છે કે જો એનો સુપેરે સુયોગ સધાય તો ‘સ્ટ્રેસ’ નામનો માનસીક રોગ મહદ અંશે મીટાવી શકાય. ધીરી ધીરે વ્યસ્તતાઓની કૂંપળ ક્યારે વટવૃક્ષ થઈને એના મૂળીયા આપણી ‘પોતીકી મજાના ફળીયાનો’ ભરડો લઈ જાય છે એની જાણ સુધ્ધા આપણને રહેતી નથી. ‘જીવ’ એ પ્રવૃત્તિરત રહેવા માંગે છે. એકાંત અને એકલતા વચ્ચે બહુ પાતળી ભેદરેખા છે. એકલતા માણસને કોરી ખાય છે. જ્યારે એકાંતમાંથી જાગૃત સમાધીનું સાન્નિધ્ય સાંપડતું હોય છે. ‘સ્વ’ને પામવાનો ઉત્તમ માર્ગ એ એકાંતનું સાન્નિધ્ય છે. ‘જેમ ઉઘાડ નીકળ્યા પછી જ સાત રંગ અવતરે, જેમ પાનખરમાં એક્સપાઈરી ગુમાવી ચૂકેલા પાંદડાઓ ખરે’ એ વાતમાં જેટલી માર્મિકતા અને તાર્કિક્તા છે એમ જ આ વાતમાં પણ એટલો જ ગહન સંદર્ભ છે કે ‘બધાની ભીતરે કશેક કૈંક દિવ્ય છે, એ નાશવંત નથી પણ એ નિત્ય છે. બધી જ વાત આમ તો અગમ તત્વ સુધી જઈને અટકે છે.
---- ટહુકો ----
સમંદર બનવા માટે પહાડેથી ‘ધોધ થઈને પડવું’ પડે છે.

‘સાંજ’ એ ઉદાસીનતાની ઓકસફર્ડ યુનિવર્સિટી છે....જિગર જોષી ‘પ્રેમ’


આજે વાત કરવી છે ‘સાંજ’ની! વાત કરવી છે સંધ્યાની. વાત કરવી છે એવા સમયની, એવા પહોરની કે જે એકલતા અને ઉદાસીનું ઉદગમ સ્થાન ગણાય છે. વાત કરવી છે એવા ટાણાની જ્યારે આકાશ ફકીરીપણાની ચાદર ઓઢીને તપસ્વીપણાનો અહેસાસ કરાવે છે. ‘સાંજ’એ ભક્તિરસનું સોલો-પરફોરમન્સ છે. એ વાતાવરણના હાથે રચાયેલી રંગોળી છે.‘સાંજ’નો ઉલ્લેખ એક પણ તારીખિયામાં કે કેલેન્ડરમાં હોતો નથી, અને ઘડિયાળ પહેરીને જ સમયને વફાદાર રહી શકાય તેવી તમામ ભ્રમણાઓને એ એક જ ઝાટકે ખોટી પાડી શકે છે. આપણી અને કુદરત વચ્ચે જો કોઇ મોટો તફાવત હોય તો એ ‘વાયદો નિભાવવાનો’ તફાવત છે. કુદરત કોઇપણ કમિટમેંટ વગર આપણને કેટકેટલું આપે છે! અને આપણે સાંજ પડ્યે એટલા કમિટમેંટ આપીએ છીએ જેમાંથી મોટા ભાગના અધુરા જ રહી જાય છે. હ્રદય જેવું હોય તો ત્યાં હાથ રાખીને તમારી જાતને પુછો મારી વાત સાચી છે કે નહીં ?
‘સાંજ’ કંઇ કેટલાયે રંગો અને સ્વભાવ ધરાવે છે! માણસની જેમ જ! કયારેક ભગવો સંત જેવો, તો કયારેક મખમલી સ્વભાવ જેવો.. કયારેક આછેરો અજવાસી રંગ તો કયારેક ઉગ્રતાની ચરમસીમાએ પહોચેલા મિજાજ જેવો! એમાં એકલતા અને ઉદાસીનો મિજાજ એ આગવી વિશેષતા ધરાવે છે અને એના રંગની મજા પણ લૂંટવા જેવી છે. જાત સાથે ગોષ્ઠિ કરવાની કુંડળી કઢાવીને જરા જોઇ લેજો, સાંજ જેવો ઉત્તમ સમય એક્કય ચોઘડિયામાં ક્યાય હાથ નહીં લાગે. આમેય હું બ્રાહ્મણ ખરોને ! મેં પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બંને રીતે આ ચોઘડિયાનો લાભ લીધો છે, એટલે જ આટલા કોન્ફીડેન્સથી આ વાત તમને કહી શકું છું.
‘સાંજ’એ ઉદાસીનતાની ઓકસફર્ડ યુનિવર્સિટી છે. ઢળતા સુરજના વિશાળ કેમ્પસમાં પથરાયેલી, ગેરુ રંગનો સ્પ્રે છાંટેલી આકાશી દિવાલો પેલી નજરે ધ્યાનાકર્શક લાગે એ સ્વાભાવિક છે. પણ સાંજ એ વાવ માફક ઉંડી હોય છે. જેમ જેમ પગથિયાઓ ઉતરતા જઇએ તેમ તેમ એક ચોક્કસ પ્રકારનું અંધારું આપણને ઘેરી વળવા આતુર હોય છે. સાંજ એ દિવસ દરમિયાન લાગેલા થાકનો સરવાળો નહીં પણ ઘર તરફ જતા રસ્તાઓનો હાંશકારો છે. સાંજ એ સરકસમાનું પંખી નથી કે જેને ઇચ્છા મુજબની ઉડાન માટે પરમિશન લેવી પડે. સાંજ એ તો એવું ઇન્દ્રધનુષ છે કે જેને વરસાદ પછીના ઉઘાડની કોઇ ગરજ સાલતી નથી. સાંજ એ ‘કોઇ’ના આગમનનો વિષય છે, એને પોતીકો લય છે, એના મૂળમાં પ્રણય છે. અને જેના મૂળમાં પ્રણય હોય એનાથી શુધ્ધ તત્વ દુનિયામાં બીજું તો ક્યુ હોઇ શકે ? હુક્કામાં ક્ષણોને ભરીને ગોટે-ગોટા કરવાની આગવી આવડત પણ ‘સાંજ’ પાસેથી જ આપણને પ્રાપ્ય બની છે.
સાંજ જેટલી ઉદાસ છે એટલી જ ઉદાર પણ છે. મેં સાંજને બગીચામાં એકલા પડી ગયેલા બાંકડાઓની હરોડ વચ્ચે નવી કૂંપળો ઉગાડતી જોઇ છે. સાંજ એ ખુંદવાનો નહીં પણ ડૂબવાનો વિષય છે. ‘સાંજ’ની હથીળીને ખૂબ સુક્ષ્મતાથી વાંચવી છે, એ આવનારી રાત્રીનું ભાગ્ય છતું કરે છે. ઝાલરટાણું જાણે કોઇ પરમત્વની શોધમાં લીન હોય છે. અને એનો નાદ મંદિરની શોભામાં વધારો કરનારો હોય છે. ‘ઘંટારવ એ કાનને સ્પર્શતી ઉત્તમોત્તમ ક્ષણ છે’ એમ કહેવું જરાય અતિશયોક્તિ ભર્યું નથી લાગતું.
‘ઘડપણ’ અને ‘સાંજ’ મહદઅંશે એકબીજાના પુરક છે. આમેય પરિપક્વતા આવતા આવતા વાર તો લાગે જ ને! કારણકે પરિપક્વતા એ અનુભવોનો સરવાળો છે. જિવન એ આવડતોને વિક્સાવવાની પાઠશાળા છે. જેમાં આપમેળે જ એડમિશન મળી જાય છે. ઘડપણ એ નિષ્ફળતાઓને મઠારી લીધા પછીની મહેક છે. એ નિજાનંદતાને ખૂબ નજદિકથી માણવાની મોસમ છે. આંખને ઝીણી કરીને દરેક ચીજને બારીકાઇથી ચકાસવાનો અવસર છે. જવાબદારીઓને અલવિદા કહેવાનો નમ્ર પ્રયાસ છે. એ ભૂતકાળની બારીએથી ડોકિયુ કરીને વર્તમાનને અજવાળવાની મંદ ગતિ છે. ‘ને હકીકતમાં એ જ સાચી સંપત્તી છે. શ્રધ્ધાનું અજવાળું પાથરવાનો ખરો સમય સંધ્યા જ છે એ પછી વાત વાતાવરણની હોય કે જિવનની! સાંજ અને ‘ચા’ માત્ર ધડપણમાં જ એકમેકમાં ઓગળી શકે છે. અને એના જેવો બીજો એક્કેય અનુભવ ઇતિહાસમાં ક્યાય કંડારી નથી શકાયો.. ‘પ્રવૃત્તિ’ એ માનવીને ફ્રેશ રાખતું અલૌકિક ઔષધ છે.ઘડપણમાં ગમતિલી કોઇ પ્રવૃત્તિનો હિસ્સો બનવાની તક મળે તો વધાવી લેવી જોઇએ અને તક ન મળે તો ઉભી કરવી જોઇએ. નીવૃત્તિનો ખરો આનંદ પ્રવૃત્તિમય રહેવામાં જ છે. આ ઉંમરમાં આપણે અન્યના સપનાઓને નવી દિશાઓ ચીંધવાની જવાબદારી સ્વેચ્છાએ સ્વિકારવાની હોય છે.
---- ટહુકો ----
’સાંજ’! એ પછી જિવનની હોય કે રાત પહેલાની, પણ બંને અનુભવોની આખરી પૂંજી સમાન છે. જેની સાચવણી માત્ર ‘હ્રદય’ નામનું મ્યુઝિયમ જ કરી શકે છે.

Thursday, March 11, 2010

લાગણીહીનતા – A permanent problem without temporary solutions! Jigar Joshi 'prem'

હવે બારસાખ પર તોરણ ટાંગવાથી ઉંબરાને સંસ્મરણની હેડકીઓ નથી આવતી. રેઇનકોટની ફેશન એ હદે વિસ્તરી ગઇ છે કે હવે વરસાદ સાથે સીધો સંબંધ રહ્યો નથી ! ફળીયામાં વાવેલો લીમડો ક્યારે ભુતકાળ બની ગયો તેની જાણ સુધ્ધા રહી નથી. શેરીઓ હવે ખાલીપાથી ખદબદે છે. ટહુકા વિનાના સન્નાટા પડઘાયા કરે છે.”પંખી એકે’ય નથી ગાતું છતાં માણસને કૈંજ નથી થાતું”ના વાતાવરણમાં જિવવાની આદત પાડી લીધી છે. ધીરે ધીરે આપણે એવા સમાજનો હિસ્સો બની ગયા છીએ કે જ્યાં ‘સ્ટેટસ’ નામનું સ્પીડ બ્રેકર નિર્ધારિત ગતિએ સફર કરવા દેતું નથી અને પોતીકી મજાની પરાણે પરાણે બ્રેક મારવી પડે છે. ઇચ્છાઓના સ્પ્રે છાંટી છાંટીને વ્યક્તિત્વના શર્ટમાંથી અજબ બૂ આવવા લાગી છે ! કાંડે મોંઘી ઘડિયાળ બાધવાનો શોખ તો પુરો કરી શક્યા છીએ પણ એ ઘડિયાળમાં ડોકિયું કરવાની ફુરસદ હવે હાથવગી રહી નથી.‘સમય નથી’ ‘સમય નથી’ નો ડંકો વગાડવાની આપણને સૌને (કુ) ટેવ પડી છે. આયોજન ન કરી શકયાની ઉણપ છતી ન થાય એટલા માટે આખી જાતને અરીસાના શહેરથી જોજનો દૂર રાખવાના વ્યર્થ પ્રયાસોમાંથી આપણે ક્યારે બા’ર આવીશું એ મોટો પ્રશ્ન છે. વ્યસ્તતાની કૂંપળો સતત અને સતત ફૂટ્યા જ કરે છે, પાંગર્યા જ કરે છે અને એને પાનખર પણ નથી લાગતી એ આશ્ચર્ય સુખદ છે કે દુ;ખદ એ નક્કી કરવું મુશ્કેલ છે.
‘સમય અને સંજોગની શિલા નીચે માણસ અને માણસપણું સતત ચગદાતું આવ્યું છે. ભેખડોનો ભાર એટલો છે કે આપણે અને આપણી લાગણીઓ માત્ર સ્ટેચ્યુ બનીને જ રહી ગયા છીએ. કોઇ એવી ક્ષણ હાથ લાગે કે જ્યારે આ કાટમાળ આઘો થાય અને આપણામાં બાકી રહેલી ક્ષણોને ફરી માણવાની તક મળે’.....પણ આવો વિચાર કર્યા પછી તુર્તજ આપણાં પોતીકા આકાશમાં ઘેરાઇ આવે છે અફસોસના વાદળો!..
આપણે ક્યારેય આપણી પોતાની પીઠ થપથપાવી નથી શકયા. કદાચિત એનો અર્થ એવો પણ હોય કે આપણાથી હજી સુધી એવું કોઇ કાર્ય થૈજ નથી શકયું !!! અથવા તો પેલી સમય અને સંજોગની શિલા નીચે હજુ આપણે ચગદાયેલા જ છીએ. સહેજ ઓકવર્ડ લાગે પણ કહેવું પડશે કે આ ક્ષણો, આ દશા, આ અવસ્થા, આ situation – એવી ક્ષણોને જન્મ આપ્યા કરે છે કે જેમાં ન તો લાગણીના પુષ્પો છે, ન તો સંવેદનશિલતાની મહેક ! રોજ આવા મહેક વગરના પુષ્પો સાથે આપણી જિંદગીની બાકી રહેલી ક્ષણો વાસ્તવિક્તાના બારણા સામે આવીને ઉભી રહે છે. એ નફ્ફ્ટ છે – ડોરબેલ નહીં વગાડે ! એ અભિમાની છે – અંદર આવવાની પરમિશન પણ નહીં લે ! અરે ! એ પરમેનન્ટ પ્રોબ્લેમ છે અને આપણી પાસે એના ટેમ્પરરી સોલ્યુશન્સ પણ નથી !!!?

આપણે સૌ પથ્થર થઇ ગયેલા સમાજની વચ્ચે અરીસાઓ જેવું નમાલું અસ્તિત્વ ધરાવીએ છીએ..‘ને તો પણ આપણી જાહેરાતો કરતા આપણે ખચકાતા નથી! કયારેક તો આપણી આવી હરકતો જોઇને સમય પણ મૂછમાંથી હસતો હશે ! આવા કાચના શહેરમાં એક-બીજા પર પથ્થરમારો કરતા આપણે સૌ શું સાબિત કરવા માંગીએ છીએ એ આપણે ખુદ પણ જાણતા નથી એ એક ઉલ્લેખનિય ઘટના જ કે’વાય નૈં ? અને આવા પથ્થરમારાથી પડેલી તીરાડો ખીણ જેવી ઉંડી થતી જાય છે એ આપણા પરવત જેવડા અહમને કયારેય ખબર નથી પડતી.

આપણે જ ઉભી કરેલી સીસ્ટમમાં આપણે જીવી નથી શકતા. આનાથી મોટી કરુણતા બીજી તો શું હોય ??! લાગણીહીનતા એ એવું સરોવર છે જેમાં વાતાવરણની લીલ એ હદે જામતી જાય છે કે એમાં ઉતરનાર બા’ર નીકળી નથી શકતો.

---- ટહુકો ----
કાશ ! આપણી પાસે એવો સંચો હોત કે જેનાથી આપણી બુઠ્ઠી થઇ ગયેલી સંવેદનાની પેંન્સિલની અણી કાઢી શકાય !