Saturday, April 26, 2008

શેર

એ જ મારી કમનસીબી છે ખુદા ! શું તું નથી કંઈ જાણતો ?
એક શમ્મા હું જલાવું ને અદાવત રાતથી થઈ જાય છે !
- જિગર જોષી "પ્રેમ"

આપણી પાછળ દિવાની છે !


વાત સાલી આ મજાની છે !
આપણી પાછળ દિવાની છે !

આંખ માંડી છે ફરી એણે
આગ પાછી લાગવાની છે

કઈ અદાની વાત કરશું બોલ ?
સૌ અદા એની તુફાની છે.

સ્વ્પ્નમાં ખોવાય છે દિનભર
બેઉને લાગી જવાની છે.

દિલ છે દરિયો નાવડી છું હું
ક્યાં ફિકર કંઈ? એ સુકાની છે.

કેટલું ચાહી શકો એને ?
વાત સૌ સૌના ગજાની છે

આજ પાલવ એમનો સરક્યો
છેડખાની આ હવાની છે

"પ્રેમ" છું ને પ્રેમમાં પાગલ
આ અસર એની દુવાની છે
- જિગર જોષી "પ્રેમ"

Tuesday, April 22, 2008

રસ્તા વિશેના મોનો-ઈમેજ


(૧)
રસ્તાના દરેક વળાંકે
એક પડઘો સંભળાય છે
કે - everyone wants change

(૨)
હસીને
મળી લઉં છું
બધાને હવે
મને જિંદગી જીવવાનો
રસ્તો મળી ગયો

(૩)
મારા શહેરના રસ્તાઓએ
કોર્ટને લખ્યો છે એક ખત ;
'મારા શહેરમા વૃક્ષોની છે અછત'

(૪)
જ્યારે
હું વૃક્ષનો ટેકો લઈ
બેઠો હોઉં છું
ત્યારે હું રસ્તો હોઉં છું

(૫)
એ રસ્તો પણ
કેટલો ખુશનસીબ છે
કે જ્યાંથી
દાંડીકુચની શરૂઆત થઈ !

(૬)
રસ્તો એટલે શુ?
;કોઈ માટે રસ્તો કરી જુઓ


- જિગર જોષી 'પ્રેમ'

Saturday, April 12, 2008

લઘુકથા/ ફ્લેટ સમું મકાન

રમણિકલાલને ચાર દિકરા. મનિષ, વિશાલ, મૌલિક અને ધૈર્ય. મનિષનો મિત્ર સુધાકર ત્રણેક વર્ષ થયા અમેરિકા સેટલ થયો છે. આમ તો ફાવી ગયું છે પણ ફ્લેટમાં આંગણાનો અભાવ હોવાથી જૂની આદત મુજબ ચણ નાખી શકતો નથી. મનિષના લગ્ન થયે છ વર્ષ થયા. તેને એક દિકરી વર્ષા અને દિકરો તપન. સૌથી નાનો ધૈર્ય હજી કોલેજના બીજા વર્ષમાં એટલે એના મિત્રોની ઘરમાં આવન-જાવન રહેતી. વિશાલ અને મૌલિકનાં હમણાં જ લગ્ન થયા એટલે ઘરમાં હવે સંકડાશ થવા લાગી. સમય-સંજોગ જોઈ મોટા પૂત્ર મનિષ અને વિશાલે પિતા રમણિકલાલને નવા મકાન માટે કાને વાત નાખી. રમણિકલાલની ઈચ્છા ન્હોતી તોય દિકરાઓને રાજી રાખવા ત્રણ માળનો ફ્લેટ બનાવવાનું નક્કી કર્યું. ત્રીજા માળની છત ભરવાનું કામ બાકી હતું અને દર વખતની જેમ સુધાકર અમેરિકાથી મનિષના પરિવારને મળવા આવ્યો અને મનિષ તેને નવું મકાન જોવા લઈ ગયો અને સુધાકરના શબ્દો....
તારું મકાન ફ્લેટ સમું તો બનાવમાં
પારેવડા પછી અહીં ચણવા નહીં રહે !

- જિગર જોષી 'પ્રેમ'

Tuesday, April 8, 2008

ખરા યોધ્ધા અગર હો તો સમયની છાલને છોલો
પછી લઈ આયનો હાથે તમારી જાતને તોલો

તમારા સમ જગા દિલમાં બનાવી શાનથી જીવું
પ્રથમ એ શર્ત છે કે આપ દિલના દ્વાર તો ખોલો

ખુદા બક્ષે જરા હિમ્મત અમારા દુશ્મનોને પણ
નમાલા સાથ યુધ્ધોની મજા ક્યાં હોય છે બોલો?

જરા ફૂંકો અને વાગી ઉઠે તો ના નહીં મિત્રો
અરે આ વાંસ માફક માનવી પણ સાવ છે પોલો

અહીંથી પંથ બંનેના અલગ થઈ જાય છે માન્યું
અમારું મન રહી જાશે हमारे साथ तुम रो लो

મને શ્રધ્ધા છે અજવાળું બધે પથરાઈ જાવાનું
જરૂરત છે તમે પેલી અમાસી ગાંઠને ખોલો


- જિગર જોષી "પ્રેમ"

નદીને આવકારી જાતને છલકાવવા માંડ્યો
બરાબર ખ્યાલ દરિયાનો મને પણ આવવા માંડ્યો

પછી આગળ જતાં માઠુ ન લાગે કોઇ દિ' ક્યાંયે
જનમતાંવેત બાળક જ્હેર થોડું ચાંખવા માંડ્યો

જુઓ દિવાનગી મારી ચરમસીમાએ પહોંચી ગઈ
કહ્યું એણે ખુદા છે તો ખુદામાં માનવા માંડ્યો

ન લાગે ભેજ દુનિયાનો ન બીજી હો અસર કંઈપણ
હવે પ્લાસ્ટિકથી વીટી સબંધો રાખવા માંડ્યો

સરળ રસ્તો મલ્યો છે 'પ્રેમ'ને અજવાસ કરવાનો
મજાથી આગ મનના કાગળોને ચાંપવા માંડ્યો

જિગર જોષી "પ્રેમ"

એક ગીત...

રોજે મનમાં સવાલ થાતો કોણ રમી ગયુ ગેમ !
આખેઆખા અઠવાડિયામાં એક જ રવિવાર કેમ ?

સવારમાં તો સ્કૂલે જાવું બપોર પછી હોય ટ્યુશન
ગજા બહારનું લેશન દેવું થઈ ગઈ છે આ ફેશન

પડ્યો પડ્યો સુકાઈ જાવાનો 'બચપણ' નામનો ડેમ

રોજે મનમાં સવાલ થાતો......

ભણવું ભણવું ભણવું ભણવું બીજી નહીં કોઈ વાત
હવે તો ભણતર નામે સાલો લાગે છે આઘાત

ડિક્શનેરીમાંથી ભૂંસાઈ જાશે હૂંફ, લાગણી ને 'પ્રેમ'

રોજે મનમાં સવાલ થાતો......

- જિગર જોષી 'પ્રેમ'

ગઝલ

દરરોજ હર ઘડી બસ આવો વિચાર આવે
હું નામ આપનું લઉં ત્યારે કરાર આવે

નીકળે જ્યાં ફૂલ લઈ તું ખુલ્લી બજારમાંથી
તારી જ સાવ પાછળ ચાલી બહાર આવે

કાલે સવારે એણે મળવા મને કહ્યું છે
હુ રાહ જોઉ છું કે જલ્દી સવાર આવે

શોધી શકે નહીં જ્યાં એવી જગા જવું છે
મારી કને હવે જો તું એકવાર આવે

એવી જ છે અપેક્ષા મારું જ નામ લે તું
જાણ્યે અને અજાણ્યે યા તો ધરાર આવે

તારો જ હાથ કાયમ મારા નયન ઉપર હો
ગમશે મને ખરેખર જો અંધકાર આવે

- જિગર જોષી "પ્રેમ"

(પ્રથમ ગઝલ સંગ્રહ "ઈશ્કથી અશ્ક"માથી)

Sunday, April 6, 2008


આપણો પરિચય અહીં નાની જ અમથી વાતથી થઈ જાય છે
રોજ મારી ઝંખનાનુ ખૂન મારા હાથથી થઈ જાય છે

ઓ હકીમો ! ત્યાં દવાઓ આપની કંઈ કામ ક્યાથી આપશે ?
સાત સાગરથીય ઉંડી મિત્રતા જ્યાં ઘાવથી થઈ જાય છે

હું બધુયે ભુલવાની હોડમાં ને હોડમાં જીવ્યા કરું
તોય તારા નામનું સ્મરણ નઠારા શ્વાસથી થઈ જાય છે

એ જ મારી કમનસીબી છે ખુદ! શું તું નથી કઈ જાણતો?
એક શમ્મા હું જલાવું ને અદાવત રાતથી થઈ જાય છે

સેંકડો મિટર ઉંચી દીવાલની સગવડ કરી છે 'પ્રેમ' ત્યાં
તોય આંસુની મુલાકાતો અમારા ગાલથી થઈ જાય છે


- જિગર જોષી "પ્રેમ"
(પ્રથમ ગઝલ સંગ્રહ "ઈશ્કથી અશ્ક"માથી)

Friday, April 4, 2008

વારસામાં ઉદાસી મળી છે

વારસામાં ઉદાસી મળી છે
સાવ સૂની અગાશી મળી છે
- જિગર જોષી 'પ્રેમ'
અરે હું ચાંદ છું પૂનમ તણો જાણે છે આખું જગ,
અમાસી રાતનું મન રાખવા ડૂબી ગયો છું હું
- જિગર જોષી 'પ્રેમ'

Thursday, April 3, 2008

રોજ એની નજર છેતરી જાય છે

રોજ એની નજર છેતરી જાય છે
રોજ મારા ઝખમ ખોતરી જાય છે

કંટકોને'ય એની ખબર ના પડી
કોણ ફૂલોમાં મ્હેકો ભરી જાય છે

એક તું કે નથી આવતી કોઈ દિ'
સાંજ પણ રોજ માફક સરી જાય છે

સાવ બસ પાનખર જેમ સપના મળ્યાં
સહેજ અમથી હવામાં ખરી જાય છે

વૃક્ષ જેવુ મળ્યું છે હ્રદય "પ્રેમ"ને
કોઈ પણ હો વિહગ કોતરી જાય છે

- જિગર જોષી "પ્રેમ"

હું જ મારી વેદનાઓમાં તરી લઉં છું

હું જ મારી વેદનાઓમાં તરી લઉં છું
પ્યાસ લાગ્યે જામ એમાથી ભરી લઉં છું

આ નવાબોના હ્રદયને સાચવી લેવા
સાવ નાની વાતમાં પણ કરગરી લઉં છું

કોક દિ' ભારણ સમું લાગે મને જ્યારે
હું જ આસું થઈ નયનમાથી સરી લઉં છુ

પીડ જ્યાં જ્યાંથી મળે ભેગી કરૂં છું હું
સુખ મળે ત્યાં વિશ્વ આખું આવરી લઉં છું

એમની છે હાજરી બસ એમ માનીને
રોજ ગોષ્ઠિ જાત સાથે આદરી લઉં છું

ક્યાંય જ્યારે લાગતું ના હોય મન મારૂ
હુ છબી જૂની ઉદાસીની ધરી લઉં છું

- જિગર જોષી "પ્રેમ"

બસ ખૂબી તો એ જ તું બોલાવ ને આવી શકુ

બસ ખૂબી તો એ જ તું બોલાવ ને આવી શકુ
ને ચમન આખું'ય તારા હાથમાં વાવી શકું

ના, નથી જાદુ કશું તાકાત તારી હાજરી,
તું કહે તો ભર અમાસે ચાંદ બોલાવી શકું

આપ સમજણ એટલી ના જોઈએ બીજું કશું
જે મળે, જેવા મળે, એવા જ અપનાવી શકું

પહાડ ઝરણું આભ અવની મ્હેલ ને આ ઝૂંપડી
એક ખાલી શેરમાં કંઈ કેટલુ લાવી શકું

બાગ ઘર તારી ગલી આ ગામ ને આખું જગત
તું મળે તો આ બધું હું રોજ મહેકાવી શકું

વેદનાનો હોય કે એ પ્રેમનો કે ત્યાગનો
આ ગઝલમાં તુ કહે એ ભાવ હું લાવી શકું

- જિગર જોષી "પ્રેમ"

ગઝલ / બની ગયો છું

અવસર વિના લટકતું તોરણ બની ગયો છું
સાચે જ જિંદગીનું ભારણ બની ગયો છું

ક્યારેક કોઈ ચાટે ક્યારેક મારે ઠેબુ
રસ્તા ઉપર રઝડતું વાસણ બની ગયો છું

રૂટીન થઈ ગયું છે ચાવી 'ને ફેંકવાનું
વહેલી સવારમાનું દાતણ બની ગયો છું

રાખી નથી શકાતું છોડી નથી શકાતું
એવી જ ચીજનું હું વળગણ બની ગયો છું

હું સાવ સત્ય બોલું એવું નહીં જ માનો
(પણ)ખોટુ નહિ જ બોલું દરપણ બની ગયો છું

- જિગર જોષી "પ્રેમ"

લટ એમની

કો'ક દિ' બસ બે ઘડી દેખાય છે લટ એમની
એમનાથી પણ વધુ શરમાય છે લટ એમની

ગાલના ખંજન સુધી લંબાય છે લટ એમની
ત્યાં સુધીમાં કેટલા વળ ખાય છે લટ એમની

કોઈ દિ' છેડે હવા જો એમની લટને અગર
કાન પાછડ પ્રેમથી લઈ જાય છે લટ એમની

ઢાળવી મૂશ્કેલ છે એ વાતને ગઝલો મહીં
ગાલથી હોઠો સુધી જ્યાં જાય છે લટ એમની

"પ્રેમ" એ ખોવાઈ જ્યારે જાય છે ખ્વાબો મહીં
આંગળીમાં જઈ અને વીંટાય છે લટ એમની
- જિગર જોષી "પ્રેમ"

ચેનથી હું કેમ બેસુ કોઈ રોજે રોજ આવી જાય છે
કોણ જાણે કોણ દર્દોને અમારું ઘર બતાવી જાય છે

એક માણસ તો પ્રસંગો સાવ નાના પણ સજાવી જાય છે
એક મણસ તો વારતા આખા જિવનની પણ છુપાવી જાય છે

ભાગ્યનો રસ્તો'ય સાલો અર્થક્વેક સમો હશે ન્હોતી ખબર
ક્યાંક ઘટના ક્યાંક અફવાઓ બનીને હચમચાવી જાય છે

હા, મને તો ભીડના અંધાર સાથે પણ લગાવો છે છતાં
યાદનું એક આંગણું એકાંતની શમ્મા જલાવી જાય છે

એક બાળક એક શાયર એક પાગલ એક પ્રેમી..એક તું
આ બધાં ભેગા મળી ખાલીપણું મારૂ મિટાવી જાય છે

સાવ ખાલી ઓરડા જેવા જ છઈએ આમ તો 'જીગર' અમે
વાર તે'વારે ગઝલના અવસરો અમને દિપાવી જાય છે

એટલે બહુ જાન પહેચાનો નથી આ સ્વપ્ન સાથે "પ્રેમ"ને
આંખ જ્યાં લાગે છે કોઈ સ્વપ્નનો પરદો હટાવી જાય છે

- જિગર જોષી "પ્રેમ"

Wednesday, April 2, 2008

રસ્તા વિશેના મોનો ઈમેજ

(૧)
રસ્તાના દરેક
વળાંકે એક પડઘો સંભળાય છે કે -
everyone wants change

(૨)
હસીને મળી લઉં છું
બધાને હવે
મને જિંદગી જીવવાનો
રસ્તો મળી ગયો

(૩)
મારા શહેરના
રસ્તાઓએ કોર્ટને લખ્યો છે એક ખત ;
'મારા શહેરમા વૃક્ષોની છે અછત

(૪)
જ્યારે હું
વૃક્ષનો ટેકો લઈ બેઠો હોઉં છું
ત્યારે હું રસ્તો હોઉં છું

(૫)
એ રસ્તો પણ કેટલો ખુશનસીબ છે
કે જ્યાંથી દાંડીકુચની શરૂઆત થઈ !

(૬)
રસ્તો એટલે શુ?
;કોઈ માટે રસ્તો કરી જુઓ

- જિગર જોષી 'પ્રેમ'
અશ્કની ને ઈશ્કની દુનિયા નિરાળી હોય છે
આશિકોના ઘેર તો રોજે દિવાળી હોય છે

ચાંદનીનું મૂલ્ય સાચું એ જ જાણે છે અહીં
માત્ર જેઓના નસીબે રાતપાળી હોય છે

આમ તો કાંટા જ હિફાઝત કરે છે ફૂલની
ક્યાં બધાંયે બાગમાં હંમેશ માળી હોય છે?

ઘર બળે, દુનિયા બળે એ તો ફિકર કરતો નથી
જિંદગી જેણે સુરાલયમાં જ ગાળી હોય છે

જાય ક્યાં ? એ તરફ તો ખીણ છે સંબંધની
આ તરફ આકશ જેવી,"પ્રેમ"! પાળી હોય છે
- જિગર જોષી 'પ્રેમ'

ગઝલ ; સમય

સરી જાએ છે એ પળમાં જ રોકાતો નથી મિત્રો
સમય તો કોઈ નો પણ કોઈ દિ'થાતો નથી મિત્રો

અજબ છે આ કસબ એનો સતત ચાલ્યા કરે તોયે
કદી ચેહ્રરા ઉપર થાકે'ય વરતાતો નથી મિત્રો

બધે છે બોલબાલા ને બધે એની હકૂમત છે
છતાં મોટઈ એની છે કે દેખાતો નથી મિત્રો

આભિમાની નથી કંઈ એ સ્વમાની જીવ છે એ તો
તજી દે છે જગા જે, ત્યાં ફરી જાતો નથી મિત્રો

ભલે હો લાખ મજબૂરી ફકીરી હાલ હો તો પણ
સમયનો હાથ તો ક્યારે'ય લંબાતો નથી મિત્રો

- જિગર જોષી 'પ્રેમ'

તમારી મહેરબાનીઓ તમારી એ દુઆ યારો

તમારી મહેરબાનીઓ તમારી એ દુઆ યારો
પળેપળ યાદ આવ્યો છે મને મારો ખુદા યારો

અરે હું સૂર્ય છું, પાછો ઉદય થાશે અહીં મારો
ઢળેલી સાંજ દેખી આમ ના ખાઓ દયા યારો

અમારી શર્ત પૂરી થઈ હવે લ્યો આપનો વારો
ઝહર તો પી ગયો છું હું હવે આપો સુરા યારો

હજી હમણાં જ આવ્યો છું ખબર મોસમની હુ લઈને
જલાવો ના શમા હમણાં છે તોફાની હવા યારો

જગતના એ બધાં રંગો વિશે હમણાં ન કે'શો કંઈ
હજી તો "પ્રેમ" આ દુનિયા મહીં તો છે નવા યારો
- જિગર જોષી 'પ્રેમ'