Wednesday, April 2, 2008

તમારી મહેરબાનીઓ તમારી એ દુઆ યારો

તમારી મહેરબાનીઓ તમારી એ દુઆ યારો
પળેપળ યાદ આવ્યો છે મને મારો ખુદા યારો

અરે હું સૂર્ય છું, પાછો ઉદય થાશે અહીં મારો
ઢળેલી સાંજ દેખી આમ ના ખાઓ દયા યારો

અમારી શર્ત પૂરી થઈ હવે લ્યો આપનો વારો
ઝહર તો પી ગયો છું હું હવે આપો સુરા યારો

હજી હમણાં જ આવ્યો છું ખબર મોસમની હુ લઈને
જલાવો ના શમા હમણાં છે તોફાની હવા યારો

જગતના એ બધાં રંગો વિશે હમણાં ન કે'શો કંઈ
હજી તો "પ્રેમ" આ દુનિયા મહીં તો છે નવા યારો
- જિગર જોષી 'પ્રેમ'

No comments: