Thursday, April 3, 2008

બસ ખૂબી તો એ જ તું બોલાવ ને આવી શકુ

બસ ખૂબી તો એ જ તું બોલાવ ને આવી શકુ
ને ચમન આખું'ય તારા હાથમાં વાવી શકું

ના, નથી જાદુ કશું તાકાત તારી હાજરી,
તું કહે તો ભર અમાસે ચાંદ બોલાવી શકું

આપ સમજણ એટલી ના જોઈએ બીજું કશું
જે મળે, જેવા મળે, એવા જ અપનાવી શકું

પહાડ ઝરણું આભ અવની મ્હેલ ને આ ઝૂંપડી
એક ખાલી શેરમાં કંઈ કેટલુ લાવી શકું

બાગ ઘર તારી ગલી આ ગામ ને આખું જગત
તું મળે તો આ બધું હું રોજ મહેકાવી શકું

વેદનાનો હોય કે એ પ્રેમનો કે ત્યાગનો
આ ગઝલમાં તુ કહે એ ભાવ હું લાવી શકું

- જિગર જોષી "પ્રેમ"

No comments: