Friday, April 16, 2010

થાંભલાના તાર પર ટહુકાઓની જગ્યાએ ચીસ સંભળાતી હશે ! કેવળ ચીસ.. -જિગર જોષી ‘પ્રેમ’


ટેબલ પર પડેલા ચાના કપ ઉપર એક પંખીનું પ્રિન્ટેડ ચિત્ર છે. બરાબર મારી બેઠકની સામે ક્રોસમાં એક નાનકડી નાજુક બારી છે. બારીમાંથી (મારા નહીં) સામેના ફળીયામાં ઊગેલા લીમડાની અમુક ડાળીઓ રોજ મને કશુંક કહ્યા કરે છે. બારીની બાજુમાં રહેલી જુઈની વેલ મારા ઓરડામાં ડોકાઈ ડોકાઈને પોતે જિવંત છે એવો અહેસાસ કરાવ્યા કરે છે, પણ આ બધાની વચ્ચે ક્યાંય ટહુકાઓ સંભળાતા નથી. આજે વાત કરવી છે ટહુકા વિનાની વાંઝણી બની ગયેલી શેરીઓની. વાત કરવી છે એવા શહેરની કે જ્યાના વૃક્ષોને પંખીઓના માળાનો ફાલ બેસતો નથી. આજે વાત કરવી છે એવા ફળીયાની જેને ટહુકાઓના વિશ્વ વિશે કશી ગતાગમ રહી નથી....પણ આ બધું કોના કારણે ? ! આના માટે હું, તમે અને આપણો સમાજ જ જવાબદાર છે. રોજ અખબારી-યાદી અપડેટ થઈને મને આંગળી ચીંધીને ઊભી રહે છે. ‘આજે ફલાણા શહેરમાંથી ફલાણી સંખ્યામાં ફલાણા પંખીના મૃતદેહો હાથ લાગ્યા, વગેરે વગેરે...’
ક્યારેક તો માણસ જાતને બુધ્ધિહીનતાનો લકવો મારી ગયો હોય એમ લાગે છે. કારણ વિનાની ભૌતિક ચીજ વસ્તુઓની દોટ પાછળ પ્રકૃતિનો વિનાશ નોતરનારા માનવીનું માનવપણું કોણ જાણે ક્યાં ભાડે દીધું છે ! પુરાતત્વવિદોને જોઈને ક્યારેક એમ થાય છે કે એ લોકો કદાચ દટાયેલો ‘માણસ’ જ શોધતા હશે. ગઈ કાલે જ્યારે બજારમાંથી પંખી પરિચયનું એક પુસ્તક ખરીદ્યુ ત્યારે અમુક પંખીઓના તો નામ પણ પહેલી વેળા જ સાંભળ્યા કે જે આપણાં જ શહેરના (ભુતકાળના) વતની (રહેવાસી) હતા. આપણે આપણા વર્તમાનનું સરખી રીતે જતન નથી કરી શકતા તો આપણા બાળકોને શું ખાખ ઉજ્જ્વળ ભાવિ દેવાના ? ગગનચુંબી ઇમારતોના શહેરમાં ટહુકાઓ ન જ સંભળાય દોસ્ત ! ‘અમુક વસ્તુઓ તો ડીક્સનરીમાં જ શોભે’ એવા વાતાવરણમાં જીવવાની કળા આપણે હસ્તગત કરી લીધી છે.
તમારામાંથી કેટલાકને જે વાત કહેવી હતી એજ વાત આજે મેં મારા શબ્દોથી તમારા હાથમાં એક ટહુકાની જેમ વહેતી મૂકી છે. કાશ ! તમારા કાન એટલા સંવેદનશિલ હોય કે આ ટહુકો સાંભળી શકે...કદાચ આપ મેગા સીટીઝના વતની હશો તો આ વાત તમને એકદમ સૂક્ષ્મતાથી સ્પર્શશે અને ગામડાંના (જો કે ગામડાં પણ હવે શહેરીપણાંની ડીક્સનરીમાં જ અપડેટ થતાં જાય છે) વતની હશો તો નજીકના ભાવિની હેડકી રૂપે યાદ આવશે. ધીરે ધીરે એવો સમય આવશે જ્યારે ફળીયાઓ હીબકા ભરતા હશે ! ઝાડવાઓ ‘પર્ણ ખર્યાનો વસવસો ક્યાં ઠાલવવો’ એની મૂંઝવણ અનુભવતા હશે ! શેરીને જાણે ‘ખાલીપા’ નામનો અજગર ભરડો લઈને બેઠો હોય એમ લાગતું હશે! આકાશમાં ક્યાંક ઉડતું પંખી દેખાશે તો કોઇ અખબારી યાદીમાં ‘TITLE-PAGE’ પર બોલ્ડ અક્ષરોમાં પ્રકાશિત કરાશે. ફૂલોના શહેરમાં જાણે પરમેનન્ટ કર્ફ્યુનો માહોલ હશે ! વૃક્ષોની ડાળીઓ પર કલરવની બદલે સન્નાટાઓ ઝૂલતા હશે ! ટહુકાના આયનાઓ ફૂટ્યા પછી એની કરચો આપણી સંવેદનાના હાથને ચૂંભશે. એવે ટાણે આપણી આંખો કોઇ પંખી શોધવા દોડશે પણ ત્યારે આપણી દ્રષ્ટિને કદાચ અંધાપો ભરખી ગયો હશે ! મોસમના ઓરડાને જાણે તાળા લગાવવાની ફરજ પાડી હોય એમ લાગશે ! થાંભલાના તાર પર ટહુકાઓની જગ્યાએ ચીસ સંભળાતી હશે ! કેવળ ચીસ...ચબૂતરો એ જોવા લાયક સ્થળ તરીકે વિક્સાવવામાં આવશે ! પછી ધીરે ધીરે ‘અહીં પહેલાં ચબૂતરો હતો’ એવો જાજરમાન ભુતકાળ ‘ઇતિહાસ’ બનીને પાઠ્યક્રમમાં આપણી ભાવિ પેઢીને ભણાવવામાં આવશે. પ્રશ્ન પત્રમાં પહેલો જ પ્રશ્ન હશે કે ‘પંખી એટલે શું ?’ તેની કોઇપણ પાંચ વિશેષતાઓ વર્ણવો...તેના જવાબની શરૂઆત કદાચ આવી હશે કે આજથી 200 – 500 વર્ષ પહેલા પંખી નામનું જીવ આપણી ધરતી પર વિપુલ પ્રમાણમાં જોવા મળતુ હતુ વગેરે વગેરે...
મારી બારીએ આરામથી બે ઘડી બેસી અને ઊડી ગયેલી ચકલીની આંખો મારાથી વંચાઇ ગઈ અને આજે આ અર્ટિકલ લખાઈ ગયો છે. મને શ્રધ્ધા છે કે તમને આ ચકલીનો ટહુકો સંભળાશે.
---- ટહુકો ----
કવિ શ્રી ગૌરાંગ ઠાકરનો એક શે’ર આ તકે યાદ આવે છે
આ ગગનચુંબી ઘરો સર્જાય છે,
આભ તો પંખીનું ઓછુ થાય છે.

No comments: