Thursday, December 10, 2009

નહિ !!! જિગર જોષી 'પ્રેમ'

વિતેલી ક્ષણોને ફરી બાંધવી છે લઈ આવ રસ્સી અને કોઇ એવી જગા પણ લઈ આવ જ્યાંથી ક્ષણોને ફરી ભાગવાનો જ મોકો મળે નહિ
અને કાં પછી એમ કર કે ક્ષણોનું ગળું દાબી ગુંગળાવી મારી પીટો ઢોલ જેથી નગરવાસીઓ એની કિકિયારીઓ સાંભળે નહિ...

અરે ! એમનું સહેજ કીધું કર્યું ત્યાં મને કેવા કેવા એ સોંપે છે કામો કે - ખુશ્બૂને કાગળ ઉપર દ્યો ઉતારી અને ફુલને સહેજ લાવો મઠારી,
પછી એમને ટેવ પડશે તો કે'શે લ્યો ! સૂરજને ઠારો અને ચાંદને સહેજ નીચે ઉતારો, સિતારને જઇને કહો રોજ એ ઝળહળે નહિ !

કવિનું જો માનો ઉદાસી તમારે ઘરે હોય તો બારણાંઓ કરી બંધ ઘોંટાઇ જાવામાં લિજ્જત રહી છે લખી લેજો દિલની દિવાલોના ખૂણે,
હ્રદય જેવું હો તો વિચારીને કહેજો ફકત આપણાં વેંત જેવા આ દર્દોને કારણ કહો કેમ પંખીને કહેવું કે ટહુકાનો વરસાદ લઇ નીકળે નહિ !

મને એક જણ આમ કહેતા મળ્યો કે - તમે આમ કરજો તમે તેમ કરજો અને ક્યાય સલવાઇ જાઓ મને ફોન કરજો ; પછી સામે મેં પણ કહ્યું કે,
સલાહો જ દેવાનો હો શોખ તો ભઇ હરણને જ સમજાવો જઇને કે એ ટળવળે નહિ, ખરા છો તમે ! ઝાંઝવાઓને નિકળ્યા છો કહેવા કે મૃગને છળે નહિ !!!
-જિગર જોષી 'પ્રેમ'

1 comment:

dr firdosh dekhaiya said...

વીતેલી ક્ષણો ને...ઉચ્ચ રજુઆત.
અરે,એમનું સહેજ....સુંદર કલ્પનો અને યથોચિત પ્રસ્તુતિ.
બારણાઓ બંધ કરી ઘોંટાઈ જવામાં...આખાબોલા શબ્દો એ કવિ ની આગવી શૈલી છે જે છાતી ફાડીને અંદર ઉતરે છે.ક્યાંય પણ આખાપણાનો અહેસાસ નથી.પણ બળેલા હ્રદયની બૂ આવે છે.
સલવાઈ જાઓ તો મને ફોન કરજો.....આધુનિક શબ્દ પ્રયોગ.થોડો વાગે તો છે પણ પ્રસ્તુત છે. ખરા છો તમે.....લય માં નિખાર લાવતો પ્રયોગ. ઝાંઝવા અને હરણના પ્રતિકો રૂઢિગત લાગે પણ કવિમાં નવી પ્રણાલિ સારી રીતે સ્થાપિત થયેલી છે અને એ કરવા એ સક્ષમ પણ છે,જે કરવું ઘટે.