Tuesday, November 10, 2009

યુગોથી / જિગર જોષી 'પ્રેમ'

ફરી સાંજ ઢળશે ફરી રાત પડશે અહીં એ જ ચક્કર ફરે છે યુગોથી
અજબ રેસમાં સૌને મૂકી દઈને સમય મૂછમાંથી હસે છે યુગોથી

વસાતા નથી પાંપણોના કમાડો...પણે લાગણી તરફડે છે યુગોથી
પુરાતન સમી સાવ જર્જર અમારી આ આંખોમાં સપના સડે છે યુગોથી

સમસ્યા વિહોણું જિવન જીવવું એ તો ઝાકળને શ્વાસોમાં ભરવા સમું છે
હકીકતથી વાકેફ હોવા છતાંયે બધાં આવું જિવન ચહે છે યુગોથી

થશે મદભરી મસ્ત મોસમની વર્ષા ક્યહીં, એમ ધારીને ફોગટ બિચારું -
અમારા નસીબોનું ચાતક હથેળીની ડાળે જુઓ કરગરે છે યુગોથી !

ક્યહીં જિર્ણ શ્વાસો ક્યહીં છે નિસાસો ક્યહીં 'પ્રેમ' - પીડાનો અફસોસ ખાસ્સો
ક્યહીં ફુગ્ગા જેવી ગમંતી ક્ષણોને સતત ટાંકણીઓ અડે છે યુગોથી

જિગર જોષી 'પ્રેમ'

No comments: