Tuesday, November 3, 2009

"જન્મ પહેલાનું સ્વપ્ન" / જિગર જોષી 'પ્રેમ'



" હાલુલુલુલુલુ !
અરે ! મારો દીક્કો !
અરે ! મારું ચકુડીયું !
"આવા તો કૈક સંબોધનોના વરસાદ
મને પણ ભીંજવી નાખશે...

પણ મમ્મી ! એ તો કહો,
મારું નામ શું રાખશો ?????
હં...!!!! મારું નામ રેશમ રાખીએ તો ??
હા, હું મખમલી સ્વભાવ લઈને
જીવવા માગુ છું.
પણ, આ નામ તો જૂનું છે નહિ ????
કૈક નવું વિચારોને !?
હં...!!! "ખુશી ?"
આમેય હું ઘરમાં આવીશ
એટલે
આંગણામાં ખુશીઓનો કલબલાટ હશે...
સૌની આંખોમાં એક 'ફૂલ'ને તેડ્યાનો તરવરાટ હશે...
પંખીની પાંખોમાં મને જોવાનો ફ્ફ્ડાટ હશે...
અને "ખુશી" આવ્યાની ખુશી તો સૌના
કાને પડઘાવાની, સિવાય કે મારી મા !
કેમ કે, એક દિકરીનો અવાજ સંભળાય
એવા કાન નથી મળ્યા મારી મા ને !!....
એને તો બસ દિકરો જ........
જવા દ્યોને
હું પણ સાવ ગાંડી છું ; ખબર છે કે
અમુક સપનાઓ
ક્યારેય સાચા નથી પડતા છતાંય
આ નફ્ફ્ટ આંખને આવા સપનાઓ જોવાની કૂટૅવ પડી છે....
'શું બધાની મમ્મી આવી જ હશે ?
તો મારી મમ્મીની મમ્મી કેમ આવી નહોતી ?
"હાલુલુલુલુલુ !
અરે ! મારો દીક્કો !
અરે ! મારું ચકુડીયું !
"આવા એક્કેય સંબોધનોના વરસાદ
મને નહીં ભીંજવે...અને મમ્મી મારું નામ રાખશે "જન્મ પહેલાનું સ્વપ્ન"
અને એને આંખમાં જ ગુંગળાવી મારશે, અરધી રાતે...!

- જિગર જોષી 'પ્રેમ'

No comments: