Tuesday, November 3, 2009

અધવચ્ચે જ.... જિગર જોષી 'પ્રેમ'


બસ
તારા પગરવનો વરસાદ જ્યારથી
થંભી ગયો છે
ત્યારથી મારી બાલ્કનીની એકલતા
મને રોજ
ઘેરી જાય છે - સાવ કોરાકટ્ટ વાદળોની જેમ.....


ઘરે આવીને કેટલીયેવાર મન થાય છે કે
ઝ્ભ્ભાની સાથે સાથે ખાલીપો પણ
ટાંગી દઉં ખીંટીએ

પછી

સિગાર જલાવી લઉં છું - ખાલીપાને ગુંગળાવી મારવા.....

આરામ ખુરશીમાં રોજ સાંજ તો પડે છે - આરામ વગરની...

બાજુના ટેબલ પર પડૅલો ચાનો કપ
રોજ અફસોસ કરે છે - નહીં પીવાયાનો...

સુક્કી થઈ મારી આંખોની ધરતીમાં,
મોસમોએ કટલાયે પ્રયાસો કર્યા છે - ભીનાશ રોપવાના...

હજી પણ સાંજે છ ના ટકોરે
તને મળવા દોડી જવાનું મન થાય છે,
ને મન પોતે જ અટવાય છે - મળવાના કારણ શોધવામાં...

'ને પછી સાંજમાંથી રાત... રાતમાંથી સવાર થઈ જાય છે - મારી ઈચ્છાઓની....
...ને મારી સિગાર અધવચ્ચે જ....
- જિગર જોષી 'પ્રેમ'

No comments: