Thursday, March 11, 2010

લાગણીહીનતા – A permanent problem without temporary solutions! Jigar Joshi 'prem'

હવે બારસાખ પર તોરણ ટાંગવાથી ઉંબરાને સંસ્મરણની હેડકીઓ નથી આવતી. રેઇનકોટની ફેશન એ હદે વિસ્તરી ગઇ છે કે હવે વરસાદ સાથે સીધો સંબંધ રહ્યો નથી ! ફળીયામાં વાવેલો લીમડો ક્યારે ભુતકાળ બની ગયો તેની જાણ સુધ્ધા રહી નથી. શેરીઓ હવે ખાલીપાથી ખદબદે છે. ટહુકા વિનાના સન્નાટા પડઘાયા કરે છે.”પંખી એકે’ય નથી ગાતું છતાં માણસને કૈંજ નથી થાતું”ના વાતાવરણમાં જિવવાની આદત પાડી લીધી છે. ધીરે ધીરે આપણે એવા સમાજનો હિસ્સો બની ગયા છીએ કે જ્યાં ‘સ્ટેટસ’ નામનું સ્પીડ બ્રેકર નિર્ધારિત ગતિએ સફર કરવા દેતું નથી અને પોતીકી મજાની પરાણે પરાણે બ્રેક મારવી પડે છે. ઇચ્છાઓના સ્પ્રે છાંટી છાંટીને વ્યક્તિત્વના શર્ટમાંથી અજબ બૂ આવવા લાગી છે ! કાંડે મોંઘી ઘડિયાળ બાધવાનો શોખ તો પુરો કરી શક્યા છીએ પણ એ ઘડિયાળમાં ડોકિયું કરવાની ફુરસદ હવે હાથવગી રહી નથી.‘સમય નથી’ ‘સમય નથી’ નો ડંકો વગાડવાની આપણને સૌને (કુ) ટેવ પડી છે. આયોજન ન કરી શકયાની ઉણપ છતી ન થાય એટલા માટે આખી જાતને અરીસાના શહેરથી જોજનો દૂર રાખવાના વ્યર્થ પ્રયાસોમાંથી આપણે ક્યારે બા’ર આવીશું એ મોટો પ્રશ્ન છે. વ્યસ્તતાની કૂંપળો સતત અને સતત ફૂટ્યા જ કરે છે, પાંગર્યા જ કરે છે અને એને પાનખર પણ નથી લાગતી એ આશ્ચર્ય સુખદ છે કે દુ;ખદ એ નક્કી કરવું મુશ્કેલ છે.
‘સમય અને સંજોગની શિલા નીચે માણસ અને માણસપણું સતત ચગદાતું આવ્યું છે. ભેખડોનો ભાર એટલો છે કે આપણે અને આપણી લાગણીઓ માત્ર સ્ટેચ્યુ બનીને જ રહી ગયા છીએ. કોઇ એવી ક્ષણ હાથ લાગે કે જ્યારે આ કાટમાળ આઘો થાય અને આપણામાં બાકી રહેલી ક્ષણોને ફરી માણવાની તક મળે’.....પણ આવો વિચાર કર્યા પછી તુર્તજ આપણાં પોતીકા આકાશમાં ઘેરાઇ આવે છે અફસોસના વાદળો!..
આપણે ક્યારેય આપણી પોતાની પીઠ થપથપાવી નથી શકયા. કદાચિત એનો અર્થ એવો પણ હોય કે આપણાથી હજી સુધી એવું કોઇ કાર્ય થૈજ નથી શકયું !!! અથવા તો પેલી સમય અને સંજોગની શિલા નીચે હજુ આપણે ચગદાયેલા જ છીએ. સહેજ ઓકવર્ડ લાગે પણ કહેવું પડશે કે આ ક્ષણો, આ દશા, આ અવસ્થા, આ situation – એવી ક્ષણોને જન્મ આપ્યા કરે છે કે જેમાં ન તો લાગણીના પુષ્પો છે, ન તો સંવેદનશિલતાની મહેક ! રોજ આવા મહેક વગરના પુષ્પો સાથે આપણી જિંદગીની બાકી રહેલી ક્ષણો વાસ્તવિક્તાના બારણા સામે આવીને ઉભી રહે છે. એ નફ્ફ્ટ છે – ડોરબેલ નહીં વગાડે ! એ અભિમાની છે – અંદર આવવાની પરમિશન પણ નહીં લે ! અરે ! એ પરમેનન્ટ પ્રોબ્લેમ છે અને આપણી પાસે એના ટેમ્પરરી સોલ્યુશન્સ પણ નથી !!!?

આપણે સૌ પથ્થર થઇ ગયેલા સમાજની વચ્ચે અરીસાઓ જેવું નમાલું અસ્તિત્વ ધરાવીએ છીએ..‘ને તો પણ આપણી જાહેરાતો કરતા આપણે ખચકાતા નથી! કયારેક તો આપણી આવી હરકતો જોઇને સમય પણ મૂછમાંથી હસતો હશે ! આવા કાચના શહેરમાં એક-બીજા પર પથ્થરમારો કરતા આપણે સૌ શું સાબિત કરવા માંગીએ છીએ એ આપણે ખુદ પણ જાણતા નથી એ એક ઉલ્લેખનિય ઘટના જ કે’વાય નૈં ? અને આવા પથ્થરમારાથી પડેલી તીરાડો ખીણ જેવી ઉંડી થતી જાય છે એ આપણા પરવત જેવડા અહમને કયારેય ખબર નથી પડતી.

આપણે જ ઉભી કરેલી સીસ્ટમમાં આપણે જીવી નથી શકતા. આનાથી મોટી કરુણતા બીજી તો શું હોય ??! લાગણીહીનતા એ એવું સરોવર છે જેમાં વાતાવરણની લીલ એ હદે જામતી જાય છે કે એમાં ઉતરનાર બા’ર નીકળી નથી શકતો.

---- ટહુકો ----
કાશ ! આપણી પાસે એવો સંચો હોત કે જેનાથી આપણી બુઠ્ઠી થઇ ગયેલી સંવેદનાની પેંન્સિલની અણી કાઢી શકાય !

Friday, March 5, 2010

‘કવિતા’એ માપવાની નહીં પરંતુ પામવાની ચીજ છે.

સૂરજ આંખો ચોળીને ઉભો થઇ ગયો છે. અંધારું બિલ્લી પગે રોજની આદત મુજબ હમણાં જ અજવાળાની પરમિશન લઇને ગયુ છે. કદાચ હજી આગલી શેરીમાં જ પહોચ્યુ હશે. ઝાકળ પોતાનું અસ્તિત્વ સમેટીને આવતીકાલની રાહ જોવામાં તલ્લીન છે. ટેબલ પર પડેલો ચાનો કપ આળસ ખંખેરવાનો ઇશારો કરી રહ્યો છે. હીંચકો અને છાપુ બંને ટગર ટગર જોઇ રહ્યા છે. એકાદ ચૂસકી લગાવો અને પછી વાંચો આજનો આર્ટિકલ. આજે ‘કવિતા’ વિશે વાત કરવાનો મૂડ છે.
‘કવિતા’ એ કાગળ ઉપર પોતીકો અજવાસ પાથરવાની પ્રક્રિયા છે. એ કહેવાની કળા છે. એ પોતાના વિચારોને અન્યો ઉપર થોપી દેવાની બાબત નથી. ‘કવિતા’ તો આપમેળે ‘પોતાના’ બનાવે એવી ક્ષમતા ધરાવે છે. એ અનુભવોના ઇન્દ્રધનુષોથી રચાય છે. કવિ પોતે શબ્દોની પસંદગી વખતે ખૂબ જાગૃત હોવો જોઇએ તો અને તો જ કવિતાને ખરો નિખાર આપી શકવામાં એ પાર ઉતરે છે. કવિતા જેવું સુક્ષ્મ અને સક્ષમ તત્વ બીજું કંઇ નથી. એ કોઇ અગમતત્વ તરફની સુસ્પષ્ટ ગતિ છે. કવિતા એટલે શબ્દોની રંગોળી કરવી. અને શબ્દોની રંગોળી કરવી એ અતિ કઠીન બાબત છે. કવિતાના રંગ, એનો સ્વભાવ–મિજાજ એજ કવિની સાચી મુડી છે. કલમ એ ટેરવાઓની વચ્ચે ઉછરી રહેલી કૂંપળ છે. શબ્દ એ શ્યાહી બનીને પ્રસરેલું આકાશ છે, એમાં આકર્ષણ ઉપજાવે તેવી ભીનાશ છે. એ કવિના શ્વાસ છે. ‘કવિતા’ એ શબ્દોનો સરવાળો નથી. એ આપણી લાગણીઓનો પ્રવાસ છે. જેમાં ‘થાક’ કથા બની જાય છે, અને ‘કથા’માંથી ‘કલા’માં પરીણમે છે. ‘કવિતા’ એ ‘જીવન’ છે. જેમાંથી ‘જીવ’નો જન્મ થાય છે. એ શક્યતાઓના બારણા ખોલી આપે છે. એ ‘ક્ષણ’ને સુક્ષ્મતાથી માણતા શિખવે છે. ‘કવિતા’ ભાષાને સરળ બનાવે છે.‘કવિતા’માં આકાશ અને સમંદર જેવા બે ગુણો રહેલા છે. એક ‘ઉંચાઇ’નો અને બીજો ‘ઉંડાણ’નો.. કવિતા એક કક્ષાએ પહોચ્યા પછી આપોઆપ ફિલોસોફીની પાંખો પહેરી લઇને ઉડાન ભરવા માંડે છે. ‘કવિતા’એ ઇન્દ્રધનુષનો આઠમો રંગ છે, એ વાતાવરણને ઘોળીને બનાવેલું રસાયણ છે. એ પહાડથી ઉતરતી મીઠાશ છે, એ રક્તમાં સોંસરવી ઉતરી ગયેલી લીલાશ છે. એ હાંસિયામાંથી આવતી સુવાસ છે.
‘કવિતા’એ મંદિર જેટલી જ પવિત્રતા ધરાવે છે. જેના પગથિયા ચઢવાથી ઇશ્વરી ઉચાઇ પામવાની તક હાથ લાગે છે. ‘કવિતા’એ સમંદરમાંથી મોતિ એકત્ર કરવાની કપરી કસોટી છે. ‘તોફાન’ એ દરિયાનો સ્વભાવ છે! કવિતાનું પણ એવું જ છે. એક વિચાર માત્ર કવિના વિચારપટ ઉપર તોફાન મચાવી દે છે. એ વિચાર જ્યાં સુધી એક પરફેક્ટ ફોમમાં પરફેક્ટ રીતે રજુ ન થાય ત્યાં સુધી એ તોફાન કવિને સતત પજવ્યા કરે છે. અને એ તોફાન પછીની શાન્તિનો આનંદ કવિને એક સર્વોત્તમ ઉચાઇ પ્રદાન કરે છે. કવિતાનું મૂળ કોઇ પણ હોઇ શકે. કોઇ ઘટના, કોઇ ક્ષણ, કોઇ વાતાવરણ, કોઇ વ્યક્તિ, કોઇ પણ ! પણ એને ‘કવિતા’ની મંઝિલ સુધી પહોચાડવી એ માત્ર અને માત્ર કવિની પોતીકી આવડત ઉપર આધાર રાખે છે. ‘કવિતા’એ કવિની ભાષા-સજ્જતાનો પરિચય કરાવે છે. કયા શબ્દનો પ્રયોગ કેવી અસર જન્માવશે એ વાતથી કવિ સુપેરે વાકેફ હોવો જોઇએ.
અનુભવ અને નિરીક્ષણ આ બે બાબતો પણ કવિતાને એક નવો રંગ આપવામાં મદદરૂપ સાબિત થાય છે. કવિ કોઇ પણ વાતાવરણને પોતીકુ ગણે છે. એ સવારને આંગણામાં પ્રેમથી વાવે છે, બપોરને સમય ફાળવીને ઉછેરે છે, સાંજને ખુલ્લા પગે સ્પર્શ કરવા અધીરાઇ બતાવે છે અને રાતને આંખમાં આંજવાની શ્રધ્ધા દાખવે છે. ‘કવિતા’ એ તારીખિયાના પાનાઓ ફાડીને બે દિવસને એકમેકમાં ઓતપ્રોત કરવાની પ્રક્રિયા છે. કવિતામાંથી ‘વાહ’ અને ‘આહ’ બંને ઉદભવે છે. ‘કવિતા’એ માપવાની નહીં પરંતુ પામવાની ચીજ છે. એ હાથમાં બગીચો ખિલવી શકે છે, એ વરસાદને વાવી અને વૃક્ષને વરસાવી શકે છે ! દરેક કવિતા પોતાનો એક મિજાજ ધરાવે છે. જેમાં કવિ પોતે, આસપાસનું વાતાવરણ, કોઇ ક્ષણ, કોઇ ઘટના અને આવું કંઇ કેટલુંયે સમેટાઇને આવે છે. ‘કવિતા’ એ વર્તમાનની ભીંત પર ભુતકાળને ચિતરવાની મથામણ છે. જેમાં સફળતા મેળવવી મહત્વની નથી પણ એ માટે મથવું એ જ મહત્વની વાત છે. ‘આંખ’ને ચહેરાની ભીંત ઉપર ટાંગેલી ફ્રેમ કહે એ જ કવિ. અને સ્વપ્નને એક ફોટો કહી એ ફ્રેમમાં મઢી પણ એજ આપે.

---- ટહુકો ----
‘કવિતા’ દિશા નથી ચીંધતી પણ નવી દિશા બનાવે છે. કવિતાથી મોટી એકે જિંદગી નથી અને જિવનથી મોટી એકે કવિતા નથી.
..............................................................................................................................
જિગર જોષી ‘પ્રેમ’
ગંગોત્રી પાર્ક / ૫૯,
યુનિ. રોડ, રાજકોટ-૫
મો : ૯૯૨૫૧૫૭૪૭૫
E-mail : jigarmsw@gmail.com

Saturday, January 2, 2010

ગઝલ : થાક

એક તો લાગ્યો છે અમને જાતરાનો થાક
ને ઉપર થીજી ગયો તારા જવાનો થાક

સાંજના વાતાવરણમાં તું અગર ના હોય
શક્ય છે, લાગી શકે, ગમતી જગાનો થાક

ગાલ પર ભીનાશનું કારણ ફકત છે એજ
આંખથી નિતર્યા કરે છે ચાહવાનો થાક

તુંય ઘેલી છે અલી ! કેવી કરે છે વાત !
આભને લાગે કદી આ વાદળાંનો થાક ?

ચાલ મન ! મંદિર તરફ ચાલીને જઇએ સહેજ
એ બહાને પીગળે નાસ્તિકપણાંનો થાક

હસ્તરેખાઓ અવાચક થઇ ગઈ છે ‘પ્રેમ’
હાથને લાગ્યો છે પત્રો બાળવાનો થાક
- Jigar Joshi 'Prem'

ઉદ્દેશ – ડિસેમ્બર – 2009

ગીત : ‘પીડા’ એક મનગમતું નામ

અમે પીડાઓ ચિતરાવી હાથમાં
મહેંદીની જેમ એના ઊભરાશે રંગ અને એને પણ ભરવાના શ્વાસમાં

અમે પીડાઓ ચિતરાવી હાથમાં

રાતોના સંચાથી સપનાની પેન્સિલને ઘસવાના કામ અમે કીધાં
કોઇ વરસ્યુ અગાઢ અને સામે અમેય ખોબે ખોબે ઊજાગરાઓ પીધાં
મને રસ્તાઓ મેણલાઓ મારે છે એવા 'આને મેલી આવો મજનુના ગામમાં'

અમે પીડાઓ ચિતરાવી હાથમાં

તારી મીઠપ જોઈને અમે દરિયો થઈ જઈએ અને વાદળાઓ વરસાવે પ્યાર,
તને ધસમસતી ધસમસતી બાંહોમાં લઈએ જાણે નદિયુંનો તું હો અવતાર
સાંજોની સાંજોને ગૂંથ્યા કરીશું પછી વીણી ભરેલ તારા વાળમાં

અમે પીડાઓ ચિતરાવી હાથમાં

- જિગર જોષી ‘પ્રેમ’

તાદર્થ્ય – નવેમ્બર-2009

ગઝલ : કોઈ આંખના સન્માન અર્થે

હતાં એ જ છઇએ ; હતાં એજ રહિશું
અને નહિ ગમે એતો મોઢે જ કહિશું

તને આંગળી ચિંધશે ક્યાંક સંજોગ
તો સંજોગની આંગળી કાપી લઇશું

ધરા આભ બંનેના અવશેષ લઇને
તને મળવા કાજે ક્ષિતિજેય જઇશું

તને હક છે ના પાડવાનો પ્રિયે! પણ,
અમે તારી ‘ના’નેય ‘હા’માં જ લઇશું

કોઈ આંખના ‘પ્રેમ’ ! સન્માન અર્થે
જો ! આઘા થયા એમ સામા’ય થૈશું


- જિગર જોષી ‘પ્રેમ’


વિ. વીદ્યાનગર – જાન્યુઆરી – 2010

Thursday, December 10, 2009

નહિ !!! જિગર જોષી 'પ્રેમ'

વિતેલી ક્ષણોને ફરી બાંધવી છે લઈ આવ રસ્સી અને કોઇ એવી જગા પણ લઈ આવ જ્યાંથી ક્ષણોને ફરી ભાગવાનો જ મોકો મળે નહિ
અને કાં પછી એમ કર કે ક્ષણોનું ગળું દાબી ગુંગળાવી મારી પીટો ઢોલ જેથી નગરવાસીઓ એની કિકિયારીઓ સાંભળે નહિ...

અરે ! એમનું સહેજ કીધું કર્યું ત્યાં મને કેવા કેવા એ સોંપે છે કામો કે - ખુશ્બૂને કાગળ ઉપર દ્યો ઉતારી અને ફુલને સહેજ લાવો મઠારી,
પછી એમને ટેવ પડશે તો કે'શે લ્યો ! સૂરજને ઠારો અને ચાંદને સહેજ નીચે ઉતારો, સિતારને જઇને કહો રોજ એ ઝળહળે નહિ !

કવિનું જો માનો ઉદાસી તમારે ઘરે હોય તો બારણાંઓ કરી બંધ ઘોંટાઇ જાવામાં લિજ્જત રહી છે લખી લેજો દિલની દિવાલોના ખૂણે,
હ્રદય જેવું હો તો વિચારીને કહેજો ફકત આપણાં વેંત જેવા આ દર્દોને કારણ કહો કેમ પંખીને કહેવું કે ટહુકાનો વરસાદ લઇ નીકળે નહિ !

મને એક જણ આમ કહેતા મળ્યો કે - તમે આમ કરજો તમે તેમ કરજો અને ક્યાય સલવાઇ જાઓ મને ફોન કરજો ; પછી સામે મેં પણ કહ્યું કે,
સલાહો જ દેવાનો હો શોખ તો ભઇ હરણને જ સમજાવો જઇને કે એ ટળવળે નહિ, ખરા છો તમે ! ઝાંઝવાઓને નિકળ્યા છો કહેવા કે મૃગને છળે નહિ !!!
-જિગર જોષી 'પ્રેમ'

ગઝલ - જિવન આખું વહી જાશે.. જિગર જોષી 'પ્રેમ'


કરૂં છું વાત શ્વાસોની ને શ્વાસો સૌ ઉછીના છે, ઉછીનું આ બધું ભરપાઇ કરવામાં જિવન આખું વહી જાશે.
ગગન વચ્ચે હું માણસ એકલો, સામે દુ;ખો તારાઓ જેવા છે, અને તારઓ ગણવામાં જિવન આખું વહી જાશે.

તમે જે જોયું, જાણ્યું, વાંચ્યું, માણ્યું, પામ્યું કે અનુભવ કર્યો છે એ તો કુદરતના ફકત એક અંશ જેવું છે,
'આ સૃષ્ટિ ગર્ભ છે ને ગર્ભમાં પણ સેંકડો સૃષ્ટિ હજી અકબંધ છે' એવું સમજવામાં જિવન આખું વહી જાશે.

સ્મરણ ફુગ્ગો નથી કે ફટ્ટ દઇ ફૂટે, સ્મરણ તો આઇનો પણ નૈં કે તૂટે ને સ્મરણ અફવા'ય ક્યાં છે કે ઉડે એમ જ !
અમે તો પાને-પાને એ લખી રાખ્યું 'સ્મરણ એવું વમળ છે કે વમળમાંથી નિકળવામાં જિવન આખું વહી જાશે.'

અઢી અક્ષરનું ચોમાસુ બધાના ભાગ્યમાં હોતુ નથી એ વાત નક્કી છે અને એમાં જે ભીંજાયા સુભાનાલ્લાહ...
પછી જે મ્હેક ફૂટે છે, પછી જે શબ્દ સ્ફૂરે...એ બધું જે થાય છે એને જ લખવામાં જિવન આખું વહી જાશે.

તમે કે'શો તો ઘર છોડીને હું ચાલ્યો જઇશ એવી જગાએ જ્યાં ન કોઇ સાદ કે સંવાદ કે વરસાદ પહોંચે 'પ્રેમ' !
પરંતુ એ'ય નક્કી કે પછી લાખ્ખો વખત બોલાવશો તો પણ... પણેથી પાછું ફરવામાં જિવન આખું વહી જાશે.
- જિગર જોષી 'પ્રેમ'

ગઝલ ; હવે આરામ કરવો છે ! જિગર જોષી 'પ્રેમ'

અરીસો સામે લાવીને હવે આરામ કરવો છે,
બધાં મ્હોરા ઉતારીને હવે આરામ કરવો છે.

સ્મરણની ભેખડો નીચે સતત ચગદાયું છે જીવન,
બધી ભેખડ હટાવીને હવે આરામ કરવો છે

ખભે વેતાળ માફક બેઠી છે ટાંપીને સદિઓથી,
જુઓ નફ્ફટ ઉદાસીને ! હવે આરામ કરવો છે !

'કશો તો મર્મ છે એમાં અમસ્તું કંઇ નથી થાતું
'ચલો એ ખ્યાલ ત્યાગીને હવે આરામ કરવો છે.

વમળ આ વ્યસ્તતાઓના હવે વિખરાય તો સારૂં,
આ શ્વાસોના પ્રવાસીને હવે આરામ કરવો છે.

સમયના જિર્ણ ટેબલ પર પડ્યા છે એક-બે પત્રો,
'જિગર'! એ પત્રો બાળીને હવે આરામ કરવો છે.
- જિગર જોષી 'પ્રેમ'

ગઝલ / - એની રામાયણ છે. જિગર જોષી 'પ્રેમ'

સમય નામના બંધ કવરમાં પોસ્ટ થયેલા કાગળ જેવું જિવતર લઇને અવતરવાનું આવ્યું-એની રામાયણ છે,
પહેલા તો સપનું થાવુ 'તુ સપના બદલે આંસુ થ્યા, ને આંસુ થ્યા તો ઝરમરવાનું આવ્યું-એની રામાયણ છે.

આમ જુઓ તો શ્ર્ધ્ધા - બધ્ધા ધરમ - બરમ કે મંદિર સાથે કોઇ પ્રકારે ના જોડાયા-નું ગૌરવ છે શ્વાસે-શ્વાસે,
આમ જુઓ તો નાસ્તિક જેવા નાસ્તિક થઇને ઇશ્વરની મુરત સામે જઇ કરગરવાનું આવ્યું-એની રામાયણ છે.

રોજ સવારે ભીની ભીની ઝાકળ જેવી ગમતી ક્ષણને સૂરજના પડકારની સામે ઉછેરવામાં સફળ થયા, પણ,
રોજ સાંજના દરિયા જેવી ઇચ્છાઓને છિપલા જેવા શ્વેત - નગરમાં સંઘરવાનું આવ્યું - એની રામાયણ છે !

યાદોના પેસેન્જર સાથે ફિક્કા શ્વાસના ખંજર સાથે સડસડાટ દોડી આવી છે 'ભુતકાળ' નામે કોઇ ટ્રેન,
સાવ અકારણ ખુલ્લમ ખુલ્લી છાતી લઇને, વર્તમાનના પાટા થઇને થરથરવાનું આવ્યું - એની રામાયણ છે.

- જિગર જોષી 'પ્રેમ'

Thursday, November 19, 2009



બાળકી આજે જરા ગુમસુમ હતી,
આજ નક્કી કોઇએ તેડી નથી.
- જિગર જોષી 'પ્રેમ'

अरे हम वो नहीं जो बारहा राहे बदलते हैं
हमारा नाम साया है तुम्हारे साथ चलते हैं
- जिगर जोषी "प्रेम"

Tuesday, November 10, 2009













તપસ્વીપણાનો આ બોજો હવે જિર્ણ શ્વાસો ઉપરથી ઉતરશે કે નૈં ? હેં ?
હળાહળ ફરી આજ ચર્ચા થઈ છે ફરી કોઈ ક્રોસે લટકશે કે નૈં ? હેં ?

ધડાધડ ધડાધડ આ શબ્દોની વર્ષા ; કડડ્ભુસ કરતાં આ કાગળના વાદળ
કલમ જાણે ચોમાસુ થઈને મળી છે ; ગઝલ થઈને કોઈ પલળશે કે નૈં ? હેં ?

બધી મોસમોને ગજરમાં છુપાવી અઢારેકની એક કન્યા ગઈ છે
બધે એજ ચર્ચા વધી છે નગરમાં હવે ક્યાંય ફૂલો ઉઘડશે કે નૈં ? હેં ?

સમય શ્વેત રોગોના વસ્ત્રો સજીને ભલે દિવ્યતાઓનો વૈભવ બતાવે
અરીસો અગર એની સામે ધરીશું તો પોતેય પણ ચોંકી ઉઠશે કે નૈં ? હેં ?

અહીં લોકને વારસામાં મળ્યું છે ' નિસાસાના વમળોમાં અટવાતા રે'વું'
અહીં જન્મથી એક્ધારું જિવન છે પરીસ્થિતિ અહીની બદલશે કે નૈં ? હેં ?
જિગર જોષી 'પ્રેમ'

જો બાળપણનું બારણું ખોલી શકાયું હોત !
તો આંગણામાં આભની લાવી શકાયું હોત !

માણસપણું સતત મને અવરોધરુપ છે
હું ફૂલ હોત તો વળી ઉઘડી શકાયું હોત !

સપનાઓ તીક્ષ્ણ ધાર બની ખૂંચતા રહ્યા
નહિતર તો ખૂબ ચેનથી ઊંઘી શકાયું હોત !

દુ;ખ પથ્થરોની જેમ સખત હોય છે 'જિગર' !
દુ;ખ કાચ જેમ હોત તો ફોડી શકાયું હોત !

આ તો તમારું 'આવવું' વરદાન થઈ ગયું
જીવન નહીં તો 'પ્રેમ'થી ડહોળી શકાયું હોત !

જિગર જોષી 'પ્રેમ'

...છતાં હાથ ખાલીના ખાલી રહ્યા છે

પરાપૂર્વથી કોઈ આપી રહ્યુ છે છતાં હાથ ખાલીના ખાલી રહ્યા છે
ભિતરથી જ એનું પગેરું મળ્યું છે છતાં હાથ ખાલીના ખાલી રહ્યા છે

પણે ક્યાંક કરતાલ વાગ્યાનો વૈભવ અને હાથ આખ્ખોય દાઝ્યાનો વૈભવ
તળેટીથી ટોચે બધું ઝળહળ્યું છે છતાં હાથ ખાલીના ખાલી રહ્યા છે

હતી એક જણ પાસે બે-ચાર બુંદોની આશા અને સામે એ જણ જુઓ તો -
મને આખ્ખું ચોમાસુ આપી રહ્યું છે છતાં હાથ ખાલીના ખાલી રહ્યા છે

ઘણીવાર ભગવાઓ ધારણ કરીને ભિતર કોઈ મીરાંનું મંથન કરું ત્યાં-
તરત મોર પિંછું નજરમાં ચડ્યું છે છતાં હાથ ખાલીના ખાલી રહ્યા છે

સિકંદર સમું વિશ્વ આખું ફર્યો છું ; પહાડો સમા અશ્વ કાબુ કર્યા છે
અને યોધ્ધા જેવું "જિગર" સાંપડ્યું છે છતાં હાથ ખાલીના ખાલી રહ્યા છે
જિગર જોષી 'પ્રેમ'