Thursday, June 26, 2008


આજ એ વરસ્યો ફરી માંઝા મૂકી,
આજ પાછી સ્કૂલથી છુટ્ટી મળી !
-જિગર જોષી "પ્રેમ"

કોઈ "દરિયા" જેમ બોલાવે અને,
જાતથી "ખળખળ" થવાતું હોત તો ?
-જિગર જોષી "પ્રેમ"

Friday, June 20, 2008

કોણ ફૂલો મૂકવા આવ્યું હતું કોને ખબર ?
કબ્રમાં તીરાડ ક્યાં છે કે તમે ઝાંખી શકો !?

- જિગર જોષી "પ્રેમ"
મારી જ હાજરીના પ્રભાવો છે "પ્રેમ" આ,
મારા વિનાનું સ્વર્ગ ધબક્તું જ ક્યાં હતું ?
- જિગર જોષી "પ્રેમ"

એક ખાલી ઓઢણી ભૂલી જઈને
કેટલો મારા ઉપર ઉપકાર કીધૉ !
- જિગર જોષી "પ્રેમ"

Tuesday, June 10, 2008


સપનામાં કોઈ સ્પર્શ થયો હોવો જોઈએ,
હોઠે નહીં તો સ્મિત ચમકતું જ ક્યા હતું ?!

- જિગર જોષી "પ્રેમ"
પ્રાર્થનામાં એક સાથે કેટલું માંગી શકો ?
જીર્ણ વસ્ત્રોથી વરસતા આભને ઢાંકી શકો ?

આપ બહુ બહુ તો કરીએ શું શકો દુનિયા વિશે ?
સત્ય જેવા સત્યને બસ ક્રોસ પર ટાંગી શકો !

અંધ આંખો, પાંગળું મન ને લથડતા હો કદમ,
તો સફળતાને ભલા કઈ રીતથી આંબી શકો ?

કોણ ફૂલો મૂકવા આવ્યું હતું કોને ખબર ?
કબ્રમાં તીરાડ ક્યાં છે કે તમે ઝાંખી શકો !

જો, ફરી સંધ્યા સમય આવી ગયો છે "પ્રેમ"નૉ,
સૂર્યને બાંધી શકો તો ક્યાં સુધી બાંધી શકો.


- જિગર જોષી "પ્રેમ"
નવનીત સમર્પણ - જૂન ૨૦૦૮

ઘણાં ચહેરા, ઘણી વાતો, ઘણું મૂકી ગયો છું હું,
અરીસો થઈ અને મુજ હાથથી ફૂટી ગયો છું હું.

ઘણી મશહૂર છે સ્ટૉરી, "ટપકતી છત હતો પહેલાં"
પછી વરસ્યો ઘણૉ વરસાદ અને તૂટી ગયો છું હું.

વિચારું છું હજી ભીનાશ જેવું શું હશે અંદર ?
નહી તો આંખથી તો ક્યારનો છૂટી ગયો છું હું.

અરે હું ચાંદ છું પૂનમ તણૉ જાણૅ છે આખુ જગ,
અમાસી રાતનું મન રાખવા ડૂબી ગયો છું હું.

વટાવી ગઈ હદો સઘળી ય મજબૂરી અમારી કે-
હતું મારં જ એ ઘર "પ્રેમ" ! ને લૂટી ગયો છું હું.

- જિગર જોષી "પ્રેમ"

ગઝલવિશ્વ ડિસેમ્બર ૨૦૦૭

Saturday, June 7, 2008

હાસ્ય ચહેરા પર સજાવી નીકળે છે,
એક માણસ અન્યને કેવો છળે છે !

રાત આખી જાગવાનો ફાયદો છે,
ધીરે ધીરે ચાંદની પીવા મળે છે.

સહેજ તારો જ્યાં ઉડે રૂમાલ જાનમ,
કેટલાં રસ્તા પછી ટોળે વળે છે.

જે અહમ છોડે નહીં, પસ્તાય છે એ,
કંઈ સદીઓથી હજી સૂરજ બળે છે.

સાવ દુનિયાથી કંઈ પર નથી હું,
વૃક્ષ, પંખી વાત મારી સાંભળે છે.

- જિગર જોષી "પ્રેમ"

Thursday, May 22, 2008



અરીસો એટલું બોલ્યો, નીહાળી,
ઘણી બદલાઈ ગઈ તું એક વરસમાં !

- જિગર જોષી "પ્રેમ"

Saturday, April 26, 2008

શેર

એ જ મારી કમનસીબી છે ખુદા ! શું તું નથી કંઈ જાણતો ?
એક શમ્મા હું જલાવું ને અદાવત રાતથી થઈ જાય છે !
- જિગર જોષી "પ્રેમ"

આપણી પાછળ દિવાની છે !


વાત સાલી આ મજાની છે !
આપણી પાછળ દિવાની છે !

આંખ માંડી છે ફરી એણે
આગ પાછી લાગવાની છે

કઈ અદાની વાત કરશું બોલ ?
સૌ અદા એની તુફાની છે.

સ્વ્પ્નમાં ખોવાય છે દિનભર
બેઉને લાગી જવાની છે.

દિલ છે દરિયો નાવડી છું હું
ક્યાં ફિકર કંઈ? એ સુકાની છે.

કેટલું ચાહી શકો એને ?
વાત સૌ સૌના ગજાની છે

આજ પાલવ એમનો સરક્યો
છેડખાની આ હવાની છે

"પ્રેમ" છું ને પ્રેમમાં પાગલ
આ અસર એની દુવાની છે
- જિગર જોષી "પ્રેમ"

Tuesday, April 22, 2008

રસ્તા વિશેના મોનો-ઈમેજ


(૧)
રસ્તાના દરેક વળાંકે
એક પડઘો સંભળાય છે
કે - everyone wants change

(૨)
હસીને
મળી લઉં છું
બધાને હવે
મને જિંદગી જીવવાનો
રસ્તો મળી ગયો

(૩)
મારા શહેરના રસ્તાઓએ
કોર્ટને લખ્યો છે એક ખત ;
'મારા શહેરમા વૃક્ષોની છે અછત'

(૪)
જ્યારે
હું વૃક્ષનો ટેકો લઈ
બેઠો હોઉં છું
ત્યારે હું રસ્તો હોઉં છું

(૫)
એ રસ્તો પણ
કેટલો ખુશનસીબ છે
કે જ્યાંથી
દાંડીકુચની શરૂઆત થઈ !

(૬)
રસ્તો એટલે શુ?
;કોઈ માટે રસ્તો કરી જુઓ


- જિગર જોષી 'પ્રેમ'

Saturday, April 12, 2008

લઘુકથા/ ફ્લેટ સમું મકાન

રમણિકલાલને ચાર દિકરા. મનિષ, વિશાલ, મૌલિક અને ધૈર્ય. મનિષનો મિત્ર સુધાકર ત્રણેક વર્ષ થયા અમેરિકા સેટલ થયો છે. આમ તો ફાવી ગયું છે પણ ફ્લેટમાં આંગણાનો અભાવ હોવાથી જૂની આદત મુજબ ચણ નાખી શકતો નથી. મનિષના લગ્ન થયે છ વર્ષ થયા. તેને એક દિકરી વર્ષા અને દિકરો તપન. સૌથી નાનો ધૈર્ય હજી કોલેજના બીજા વર્ષમાં એટલે એના મિત્રોની ઘરમાં આવન-જાવન રહેતી. વિશાલ અને મૌલિકનાં હમણાં જ લગ્ન થયા એટલે ઘરમાં હવે સંકડાશ થવા લાગી. સમય-સંજોગ જોઈ મોટા પૂત્ર મનિષ અને વિશાલે પિતા રમણિકલાલને નવા મકાન માટે કાને વાત નાખી. રમણિકલાલની ઈચ્છા ન્હોતી તોય દિકરાઓને રાજી રાખવા ત્રણ માળનો ફ્લેટ બનાવવાનું નક્કી કર્યું. ત્રીજા માળની છત ભરવાનું કામ બાકી હતું અને દર વખતની જેમ સુધાકર અમેરિકાથી મનિષના પરિવારને મળવા આવ્યો અને મનિષ તેને નવું મકાન જોવા લઈ ગયો અને સુધાકરના શબ્દો....
તારું મકાન ફ્લેટ સમું તો બનાવમાં
પારેવડા પછી અહીં ચણવા નહીં રહે !

- જિગર જોષી 'પ્રેમ'