
ઘણી બદલાઈ ગઈ તું એક વરસમાં !
- જિગર જોષી "પ્રેમ"


ખરા યોધ્ધા અગર હો તો સમયની છાલને છોલો
પછી લઈ આયનો હાથે તમારી જાતને તોલો
તમારા સમ જગા દિલમાં બનાવી શાનથી જીવું
પ્રથમ એ શર્ત છે કે આપ દિલના દ્વાર તો ખોલો
ખુદા બક્ષે જરા હિમ્મત અમારા દુશ્મનોને પણ
નમાલા સાથ યુધ્ધોની મજા ક્યાં હોય છે બોલો?
જરા ફૂંકો અને વાગી ઉઠે તો ના નહીં મિત્રો
અરે આ વાંસ માફક માનવી પણ સાવ છે પોલો
અહીંથી પંથ બંનેના અલગ થઈ જાય છે માન્યું
અમારું મન રહી જાશે हमारे साथ तुम रो लो
મને શ્રધ્ધા છે અજવાળું બધે પથરાઈ જાવાનું
જરૂરત છે તમે પેલી અમાસી ગાંઠને ખોલો
- જિગર જોષી "પ્રેમ"
નદીને આવકારી જાતને છલકાવવા માંડ્યો
બરાબર ખ્યાલ દરિયાનો મને પણ આવવા માંડ્યો
પછી આગળ જતાં માઠુ ન લાગે કોઇ દિ' ક્યાંયે
જનમતાંવેત બાળક જ્હેર થોડું ચાંખવા માંડ્યો
જુઓ દિવાનગી મારી ચરમસીમાએ પહોંચી ગઈ
કહ્યું એણે ખુદા છે તો ખુદામાં માનવા માંડ્યો
ન લાગે ભેજ દુનિયાનો ન બીજી હો અસર કંઈપણ
હવે પ્લાસ્ટિકથી વીટી સબંધો રાખવા માંડ્યો
સરળ રસ્તો મલ્યો છે 'પ્રેમ'ને અજવાસ કરવાનો
મજાથી આગ મનના કાગળોને ચાંપવા માંડ્યો
જિગર જોષી "પ્રેમ"
રોજે મનમાં સવાલ થાતો કોણ રમી ગયુ ગેમ !
આખેઆખા અઠવાડિયામાં એક જ રવિવાર કેમ ?
સવારમાં તો સ્કૂલે જાવું બપોર પછી હોય ટ્યુશન
ગજા બહારનું લેશન દેવું થઈ ગઈ છે આ ફેશન
પડ્યો પડ્યો સુકાઈ જાવાનો 'બચપણ' નામનો ડેમ
રોજે મનમાં સવાલ થાતો......
ભણવું ભણવું ભણવું ભણવું બીજી નહીં કોઈ વાત
હવે તો ભણતર નામે સાલો લાગે છે આઘાત
ડિક્શનેરીમાંથી ભૂંસાઈ જાશે હૂંફ, લાગણી ને 'પ્રેમ'
રોજે મનમાં સવાલ થાતો......
- જિગર જોષી 'પ્રેમ'
(પ્રથમ ગઝલ સંગ્રહ "ઈશ્કથી અશ્ક"માથી)

આપણો પરિચય અહીં નાની જ અમથી વાતથી થઈ જાય છે
રોજ મારી ઝંખનાનુ ખૂન મારા હાથથી થઈ જાય છે
ઓ હકીમો ! ત્યાં દવાઓ આપની કંઈ કામ ક્યાથી આપશે ?
સાત સાગરથીય ઉંડી મિત્રતા જ્યાં ઘાવથી થઈ જાય છે
હું બધુયે ભુલવાની હોડમાં ને હોડમાં જીવ્યા કરું
તોય તારા નામનું સ્મરણ નઠારા શ્વાસથી થઈ જાય છે
એ જ મારી કમનસીબી છે ખુદ! શું તું નથી કઈ જાણતો?
એક શમ્મા હું જલાવું ને અદાવત રાતથી થઈ જાય છે
સેંકડો મિટર ઉંચી દીવાલની સગવડ કરી છે 'પ્રેમ' ત્યાં
તોય આંસુની મુલાકાતો અમારા ગાલથી થઈ જાય છે
- જિગર જોષી "પ્રેમ"
(પ્રથમ ગઝલ સંગ્રહ "ઈશ્કથી અશ્ક"માથી)