Saturday, April 26, 2008
આપણી પાછળ દિવાની છે !

આપણી પાછળ દિવાની છે !
આંખ માંડી છે ફરી એણે
આગ પાછી લાગવાની છે
કઈ અદાની વાત કરશું બોલ ?
સૌ અદા એની તુફાની છે.
સ્વ્પ્નમાં ખોવાય છે દિનભર
બેઉને લાગી જવાની છે.
દિલ છે દરિયો નાવડી છું હું
ક્યાં ફિકર કંઈ? એ સુકાની છે.
કેટલું ચાહી શકો એને ?
વાત સૌ સૌના ગજાની છે
આજ પાલવ એમનો સરક્યો
છેડખાની આ હવાની છે
"પ્રેમ" છું ને પ્રેમમાં પાગલ
આ અસર એની દુવાની છે
- જિગર જોષી "પ્રેમ"
Tuesday, April 22, 2008
રસ્તા વિશેના મોનો-ઈમેજ

રસ્તાના દરેક વળાંકે
એક પડઘો સંભળાય છે
કે - everyone wants change
(૨)
હસીને
મળી લઉં છું
બધાને હવે
મને જિંદગી જીવવાનો
રસ્તો મળી ગયો
(૩)
મારા શહેરના રસ્તાઓએ
કોર્ટને લખ્યો છે એક ખત ;
'મારા શહેરમા વૃક્ષોની છે અછત'
(૪)
જ્યારે
હું વૃક્ષનો ટેકો લઈ
બેઠો હોઉં છું
ત્યારે હું રસ્તો હોઉં છું
(૫)
એ રસ્તો પણ
કેટલો ખુશનસીબ છે
દાંડીકુચની શરૂઆત થઈ !
(૬)
રસ્તો એટલે શુ?
;કોઈ માટે રસ્તો કરી જુઓ
- જિગર જોષી 'પ્રેમ'
Saturday, April 12, 2008
રમણિકલાલને ચાર દિકરા. મનિષ, વિશાલ, મૌલિક અને ધૈર્ય. મનિષનો મિત્ર સુધાકર ત્રણેક વર્ષ થયા અમેરિકા સેટલ થયો છે. આમ તો ફાવી ગયું છે પણ ફ્લેટમાં આંગણાનો અભાવ હોવાથી જૂની આદત મુજબ ચણ નાખી શકતો નથી. મનિષના લગ્ન થયે છ વર્ષ થયા. તેને એક દિકરી વર્ષા અને દિકરો તપન. સૌથી નાનો ધૈર્ય હજી કોલેજના બીજા વર્ષમાં એટલે એના મિત્રોની ઘરમાં આવન-જાવન રહેતી. વિશાલ અને મૌલિકનાં હમણાં જ લગ્ન થયા એટલે ઘરમાં હવે સંકડાશ થવા લાગી. સમય-સંજોગ જોઈ મોટા પૂત્ર મનિષ અને વિશાલે પિતા રમણિકલાલને નવા મકાન માટે કાને વાત નાખી. રમણિકલાલની ઈચ્છા ન્હોતી તોય દિકરાઓને રાજી રાખવા ત્રણ માળનો ફ્લેટ બનાવવાનું નક્કી કર્યું. ત્રીજા માળની છત ભરવાનું કામ બાકી હતું અને દર વખતની જેમ સુધાકર અમેરિકાથી મનિષના પરિવારને મળવા આવ્યો અને મનિષ તેને નવું મકાન જોવા લઈ ગયો અને સુધાકરના શબ્દો....
તારું મકાન ફ્લેટ સમું તો બનાવમાં
પારેવડા પછી અહીં ચણવા નહીં રહે !
- જિગર જોષી 'પ્રેમ'
Tuesday, April 8, 2008
ખરા યોધ્ધા અગર હો તો સમયની છાલને છોલો
પછી લઈ આયનો હાથે તમારી જાતને તોલો
તમારા સમ જગા દિલમાં બનાવી શાનથી જીવું
પ્રથમ એ શર્ત છે કે આપ દિલના દ્વાર તો ખોલો
ખુદા બક્ષે જરા હિમ્મત અમારા દુશ્મનોને પણ
નમાલા સાથ યુધ્ધોની મજા ક્યાં હોય છે બોલો?
જરા ફૂંકો અને વાગી ઉઠે તો ના નહીં મિત્રો
અરે આ વાંસ માફક માનવી પણ સાવ છે પોલો
અહીંથી પંથ બંનેના અલગ થઈ જાય છે માન્યું
અમારું મન રહી જાશે हमारे साथ तुम रो लो
મને શ્રધ્ધા છે અજવાળું બધે પથરાઈ જાવાનું
જરૂરત છે તમે પેલી અમાસી ગાંઠને ખોલો
- જિગર જોષી "પ્રેમ"
નદીને આવકારી જાતને છલકાવવા માંડ્યો
બરાબર ખ્યાલ દરિયાનો મને પણ આવવા માંડ્યો
પછી આગળ જતાં માઠુ ન લાગે કોઇ દિ' ક્યાંયે
જનમતાંવેત બાળક જ્હેર થોડું ચાંખવા માંડ્યો
જુઓ દિવાનગી મારી ચરમસીમાએ પહોંચી ગઈ
કહ્યું એણે ખુદા છે તો ખુદામાં માનવા માંડ્યો
ન લાગે ભેજ દુનિયાનો ન બીજી હો અસર કંઈપણ
હવે પ્લાસ્ટિકથી વીટી સબંધો રાખવા માંડ્યો
સરળ રસ્તો મલ્યો છે 'પ્રેમ'ને અજવાસ કરવાનો
મજાથી આગ મનના કાગળોને ચાંપવા માંડ્યો
જિગર જોષી "પ્રેમ"
એક ગીત...
રોજે મનમાં સવાલ થાતો કોણ રમી ગયુ ગેમ !
આખેઆખા અઠવાડિયામાં એક જ રવિવાર કેમ ?
સવારમાં તો સ્કૂલે જાવું બપોર પછી હોય ટ્યુશન
ગજા બહારનું લેશન દેવું થઈ ગઈ છે આ ફેશન
પડ્યો પડ્યો સુકાઈ જાવાનો 'બચપણ' નામનો ડેમ
રોજે મનમાં સવાલ થાતો......
ભણવું ભણવું ભણવું ભણવું બીજી નહીં કોઈ વાત
હવે તો ભણતર નામે સાલો લાગે છે આઘાત
ડિક્શનેરીમાંથી ભૂંસાઈ જાશે હૂંફ, લાગણી ને 'પ્રેમ'
રોજે મનમાં સવાલ થાતો......
- જિગર જોષી 'પ્રેમ'
ગઝલ
હું નામ આપનું લઉં ત્યારે કરાર આવે
નીકળે જ્યાં ફૂલ લઈ તું ખુલ્લી બજારમાંથી
તારી જ સાવ પાછળ ચાલી બહાર આવે
કાલે સવારે એણે મળવા મને કહ્યું છે
હુ રાહ જોઉ છું કે જલ્દી સવાર આવે
શોધી શકે નહીં જ્યાં એવી જગા જવું છે
મારી કને હવે જો તું એકવાર આવે
એવી જ છે અપેક્ષા મારું જ નામ લે તું
જાણ્યે અને અજાણ્યે યા તો ધરાર આવે
તારો જ હાથ કાયમ મારા નયન ઉપર હો
ગમશે મને ખરેખર જો અંધકાર આવે
- જિગર જોષી "પ્રેમ"
(પ્રથમ ગઝલ સંગ્રહ "ઈશ્કથી અશ્ક"માથી)
Sunday, April 6, 2008

આપણો પરિચય અહીં નાની જ અમથી વાતથી થઈ જાય છે
રોજ મારી ઝંખનાનુ ખૂન મારા હાથથી થઈ જાય છે
ઓ હકીમો ! ત્યાં દવાઓ આપની કંઈ કામ ક્યાથી આપશે ?
સાત સાગરથીય ઉંડી મિત્રતા જ્યાં ઘાવથી થઈ જાય છે
હું બધુયે ભુલવાની હોડમાં ને હોડમાં જીવ્યા કરું
તોય તારા નામનું સ્મરણ નઠારા શ્વાસથી થઈ જાય છે
એ જ મારી કમનસીબી છે ખુદ! શું તું નથી કઈ જાણતો?
એક શમ્મા હું જલાવું ને અદાવત રાતથી થઈ જાય છે
સેંકડો મિટર ઉંચી દીવાલની સગવડ કરી છે 'પ્રેમ' ત્યાં
તોય આંસુની મુલાકાતો અમારા ગાલથી થઈ જાય છે
- જિગર જોષી "પ્રેમ"
(પ્રથમ ગઝલ સંગ્રહ "ઈશ્કથી અશ્ક"માથી)
Friday, April 4, 2008
Thursday, April 3, 2008
હું જ મારી વેદનાઓમાં તરી લઉં છું
પ્યાસ લાગ્યે જામ એમાથી ભરી લઉં છું
આ નવાબોના હ્રદયને સાચવી લેવા
સાવ નાની વાતમાં પણ કરગરી લઉં છું
કોક દિ' ભારણ સમું લાગે મને જ્યારે
હું જ આસું થઈ નયનમાથી સરી લઉં છુ
પીડ જ્યાં જ્યાંથી મળે ભેગી કરૂં છું હું
સુખ મળે ત્યાં વિશ્વ આખું આવરી લઉં છું
એમની છે હાજરી બસ એમ માનીને
રોજ ગોષ્ઠિ જાત સાથે આદરી લઉં છું
ક્યાંય જ્યારે લાગતું ના હોય મન મારૂ
હુ છબી જૂની ઉદાસીની ધરી લઉં છું
- જિગર જોષી "પ્રેમ"
બસ ખૂબી તો એ જ તું બોલાવ ને આવી શકુ
બસ ખૂબી તો એ જ તું બોલાવ ને આવી શકુ
ને ચમન આખું'ય તારા હાથમાં વાવી શકું
ના, નથી જાદુ કશું તાકાત તારી હાજરી,
તું કહે તો ભર અમાસે ચાંદ બોલાવી શકું
આપ સમજણ એટલી ના જોઈએ બીજું કશું
જે મળે, જેવા મળે, એવા જ અપનાવી શકું
પહાડ ઝરણું આભ અવની મ્હેલ ને આ ઝૂંપડી
એક ખાલી શેરમાં કંઈ કેટલુ લાવી શકું
બાગ ઘર તારી ગલી આ ગામ ને આખું જગત
તું મળે તો આ બધું હું રોજ મહેકાવી શકું
વેદનાનો હોય કે એ પ્રેમનો કે ત્યાગનો
આ ગઝલમાં તુ કહે એ ભાવ હું લાવી શકું
- જિગર જોષી "પ્રેમ"



