Thursday, December 10, 2009

નહિ !!! જિગર જોષી 'પ્રેમ'

વિતેલી ક્ષણોને ફરી બાંધવી છે લઈ આવ રસ્સી અને કોઇ એવી જગા પણ લઈ આવ જ્યાંથી ક્ષણોને ફરી ભાગવાનો જ મોકો મળે નહિ
અને કાં પછી એમ કર કે ક્ષણોનું ગળું દાબી ગુંગળાવી મારી પીટો ઢોલ જેથી નગરવાસીઓ એની કિકિયારીઓ સાંભળે નહિ...

અરે ! એમનું સહેજ કીધું કર્યું ત્યાં મને કેવા કેવા એ સોંપે છે કામો કે - ખુશ્બૂને કાગળ ઉપર દ્યો ઉતારી અને ફુલને સહેજ લાવો મઠારી,
પછી એમને ટેવ પડશે તો કે'શે લ્યો ! સૂરજને ઠારો અને ચાંદને સહેજ નીચે ઉતારો, સિતારને જઇને કહો રોજ એ ઝળહળે નહિ !

કવિનું જો માનો ઉદાસી તમારે ઘરે હોય તો બારણાંઓ કરી બંધ ઘોંટાઇ જાવામાં લિજ્જત રહી છે લખી લેજો દિલની દિવાલોના ખૂણે,
હ્રદય જેવું હો તો વિચારીને કહેજો ફકત આપણાં વેંત જેવા આ દર્દોને કારણ કહો કેમ પંખીને કહેવું કે ટહુકાનો વરસાદ લઇ નીકળે નહિ !

મને એક જણ આમ કહેતા મળ્યો કે - તમે આમ કરજો તમે તેમ કરજો અને ક્યાય સલવાઇ જાઓ મને ફોન કરજો ; પછી સામે મેં પણ કહ્યું કે,
સલાહો જ દેવાનો હો શોખ તો ભઇ હરણને જ સમજાવો જઇને કે એ ટળવળે નહિ, ખરા છો તમે ! ઝાંઝવાઓને નિકળ્યા છો કહેવા કે મૃગને છળે નહિ !!!
-જિગર જોષી 'પ્રેમ'

ગઝલ - જિવન આખું વહી જાશે.. જિગર જોષી 'પ્રેમ'


કરૂં છું વાત શ્વાસોની ને શ્વાસો સૌ ઉછીના છે, ઉછીનું આ બધું ભરપાઇ કરવામાં જિવન આખું વહી જાશે.
ગગન વચ્ચે હું માણસ એકલો, સામે દુ;ખો તારાઓ જેવા છે, અને તારઓ ગણવામાં જિવન આખું વહી જાશે.

તમે જે જોયું, જાણ્યું, વાંચ્યું, માણ્યું, પામ્યું કે અનુભવ કર્યો છે એ તો કુદરતના ફકત એક અંશ જેવું છે,
'આ સૃષ્ટિ ગર્ભ છે ને ગર્ભમાં પણ સેંકડો સૃષ્ટિ હજી અકબંધ છે' એવું સમજવામાં જિવન આખું વહી જાશે.

સ્મરણ ફુગ્ગો નથી કે ફટ્ટ દઇ ફૂટે, સ્મરણ તો આઇનો પણ નૈં કે તૂટે ને સ્મરણ અફવા'ય ક્યાં છે કે ઉડે એમ જ !
અમે તો પાને-પાને એ લખી રાખ્યું 'સ્મરણ એવું વમળ છે કે વમળમાંથી નિકળવામાં જિવન આખું વહી જાશે.'

અઢી અક્ષરનું ચોમાસુ બધાના ભાગ્યમાં હોતુ નથી એ વાત નક્કી છે અને એમાં જે ભીંજાયા સુભાનાલ્લાહ...
પછી જે મ્હેક ફૂટે છે, પછી જે શબ્દ સ્ફૂરે...એ બધું જે થાય છે એને જ લખવામાં જિવન આખું વહી જાશે.

તમે કે'શો તો ઘર છોડીને હું ચાલ્યો જઇશ એવી જગાએ જ્યાં ન કોઇ સાદ કે સંવાદ કે વરસાદ પહોંચે 'પ્રેમ' !
પરંતુ એ'ય નક્કી કે પછી લાખ્ખો વખત બોલાવશો તો પણ... પણેથી પાછું ફરવામાં જિવન આખું વહી જાશે.
- જિગર જોષી 'પ્રેમ'

ગઝલ ; હવે આરામ કરવો છે ! જિગર જોષી 'પ્રેમ'

અરીસો સામે લાવીને હવે આરામ કરવો છે,
બધાં મ્હોરા ઉતારીને હવે આરામ કરવો છે.

સ્મરણની ભેખડો નીચે સતત ચગદાયું છે જીવન,
બધી ભેખડ હટાવીને હવે આરામ કરવો છે

ખભે વેતાળ માફક બેઠી છે ટાંપીને સદિઓથી,
જુઓ નફ્ફટ ઉદાસીને ! હવે આરામ કરવો છે !

'કશો તો મર્મ છે એમાં અમસ્તું કંઇ નથી થાતું
'ચલો એ ખ્યાલ ત્યાગીને હવે આરામ કરવો છે.

વમળ આ વ્યસ્તતાઓના હવે વિખરાય તો સારૂં,
આ શ્વાસોના પ્રવાસીને હવે આરામ કરવો છે.

સમયના જિર્ણ ટેબલ પર પડ્યા છે એક-બે પત્રો,
'જિગર'! એ પત્રો બાળીને હવે આરામ કરવો છે.
- જિગર જોષી 'પ્રેમ'

ગઝલ / - એની રામાયણ છે. જિગર જોષી 'પ્રેમ'

સમય નામના બંધ કવરમાં પોસ્ટ થયેલા કાગળ જેવું જિવતર લઇને અવતરવાનું આવ્યું-એની રામાયણ છે,
પહેલા તો સપનું થાવુ 'તુ સપના બદલે આંસુ થ્યા, ને આંસુ થ્યા તો ઝરમરવાનું આવ્યું-એની રામાયણ છે.

આમ જુઓ તો શ્ર્ધ્ધા - બધ્ધા ધરમ - બરમ કે મંદિર સાથે કોઇ પ્રકારે ના જોડાયા-નું ગૌરવ છે શ્વાસે-શ્વાસે,
આમ જુઓ તો નાસ્તિક જેવા નાસ્તિક થઇને ઇશ્વરની મુરત સામે જઇ કરગરવાનું આવ્યું-એની રામાયણ છે.

રોજ સવારે ભીની ભીની ઝાકળ જેવી ગમતી ક્ષણને સૂરજના પડકારની સામે ઉછેરવામાં સફળ થયા, પણ,
રોજ સાંજના દરિયા જેવી ઇચ્છાઓને છિપલા જેવા શ્વેત - નગરમાં સંઘરવાનું આવ્યું - એની રામાયણ છે !

યાદોના પેસેન્જર સાથે ફિક્કા શ્વાસના ખંજર સાથે સડસડાટ દોડી આવી છે 'ભુતકાળ' નામે કોઇ ટ્રેન,
સાવ અકારણ ખુલ્લમ ખુલ્લી છાતી લઇને, વર્તમાનના પાટા થઇને થરથરવાનું આવ્યું - એની રામાયણ છે.

- જિગર જોષી 'પ્રેમ'