Thursday, June 26, 2008


આજ એ વરસ્યો ફરી માંઝા મૂકી,
આજ પાછી સ્કૂલથી છુટ્ટી મળી !
-જિગર જોષી "પ્રેમ"

કોઈ "દરિયા" જેમ બોલાવે અને,
જાતથી "ખળખળ" થવાતું હોત તો ?
-જિગર જોષી "પ્રેમ"

Friday, June 20, 2008

કોણ ફૂલો મૂકવા આવ્યું હતું કોને ખબર ?
કબ્રમાં તીરાડ ક્યાં છે કે તમે ઝાંખી શકો !?

- જિગર જોષી "પ્રેમ"
મારી જ હાજરીના પ્રભાવો છે "પ્રેમ" આ,
મારા વિનાનું સ્વર્ગ ધબક્તું જ ક્યાં હતું ?
- જિગર જોષી "પ્રેમ"

એક ખાલી ઓઢણી ભૂલી જઈને
કેટલો મારા ઉપર ઉપકાર કીધૉ !
- જિગર જોષી "પ્રેમ"

Tuesday, June 10, 2008


સપનામાં કોઈ સ્પર્શ થયો હોવો જોઈએ,
હોઠે નહીં તો સ્મિત ચમકતું જ ક્યા હતું ?!

- જિગર જોષી "પ્રેમ"
પ્રાર્થનામાં એક સાથે કેટલું માંગી શકો ?
જીર્ણ વસ્ત્રોથી વરસતા આભને ઢાંકી શકો ?

આપ બહુ બહુ તો કરીએ શું શકો દુનિયા વિશે ?
સત્ય જેવા સત્યને બસ ક્રોસ પર ટાંગી શકો !

અંધ આંખો, પાંગળું મન ને લથડતા હો કદમ,
તો સફળતાને ભલા કઈ રીતથી આંબી શકો ?

કોણ ફૂલો મૂકવા આવ્યું હતું કોને ખબર ?
કબ્રમાં તીરાડ ક્યાં છે કે તમે ઝાંખી શકો !

જો, ફરી સંધ્યા સમય આવી ગયો છે "પ્રેમ"નૉ,
સૂર્યને બાંધી શકો તો ક્યાં સુધી બાંધી શકો.


- જિગર જોષી "પ્રેમ"
નવનીત સમર્પણ - જૂન ૨૦૦૮

ઘણાં ચહેરા, ઘણી વાતો, ઘણું મૂકી ગયો છું હું,
અરીસો થઈ અને મુજ હાથથી ફૂટી ગયો છું હું.

ઘણી મશહૂર છે સ્ટૉરી, "ટપકતી છત હતો પહેલાં"
પછી વરસ્યો ઘણૉ વરસાદ અને તૂટી ગયો છું હું.

વિચારું છું હજી ભીનાશ જેવું શું હશે અંદર ?
નહી તો આંખથી તો ક્યારનો છૂટી ગયો છું હું.

અરે હું ચાંદ છું પૂનમ તણૉ જાણૅ છે આખુ જગ,
અમાસી રાતનું મન રાખવા ડૂબી ગયો છું હું.

વટાવી ગઈ હદો સઘળી ય મજબૂરી અમારી કે-
હતું મારં જ એ ઘર "પ્રેમ" ! ને લૂટી ગયો છું હું.

- જિગર જોષી "પ્રેમ"

ગઝલવિશ્વ ડિસેમ્બર ૨૦૦૭

Saturday, June 7, 2008

હાસ્ય ચહેરા પર સજાવી નીકળે છે,
એક માણસ અન્યને કેવો છળે છે !

રાત આખી જાગવાનો ફાયદો છે,
ધીરે ધીરે ચાંદની પીવા મળે છે.

સહેજ તારો જ્યાં ઉડે રૂમાલ જાનમ,
કેટલાં રસ્તા પછી ટોળે વળે છે.

જે અહમ છોડે નહીં, પસ્તાય છે એ,
કંઈ સદીઓથી હજી સૂરજ બળે છે.

સાવ દુનિયાથી કંઈ પર નથી હું,
વૃક્ષ, પંખી વાત મારી સાંભળે છે.

- જિગર જોષી "પ્રેમ"